વાગડના બળાત્કાર અને અપહરણ કેસમાં આરોપીને શરતોને આધીન જામીન
ભુજ, તા. 6 : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા અપહરણ અને બળાત્કારના પોકસો ધારાના કેસમાં આરોપી બાદરગઢ (રાપર)ના સુરેશ મનજી કોળીને શરતોને આધીન જામીન અપાયા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ તેના માટે જામીન અરજી ભચાઉ સ્થિત બીજા અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ મુકાઇ હતી. ખાસ ન્યાયાધીશ સમક્ષ સુનાવણીમાં વિવિધ ચુકાદાઓ ટાંકવા સાથેની દલીલો થઇ હતી. ન્યાયાધીશે બદલાયેલા સંજોગો સહિતના પરિબળો કેન્દ્રમાં રાખીને આરોપી સુરેશ કોળીને શરતોને આધીન જામીન આપતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે ટપુભાઇ એચ. રાઠોડ રહ્યા હતા. ચેકના કેસમાં છૂટકારો માંડવીમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસની કોર્ટમાં ચાલેલા ચેક પરત થવાના જુદા-જુદા બે કેસમાં દેઢિયા (માંડવી)ના આરોપી કરીમ દાઉદ જતને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. આ કેસની ફરિયાદ દેઢિયા ગામના અલીમામદ રમજાન ખલિફા દ્વારા લખાવાઇ હતી. આરોપીના વકીલ તરીકે સુલેમાન અબ્દુલ્લાહ રાયમા રહ્યા હતા. લાંચના કેસમાં જામીન લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો ભુજ દ્વારા તાજેતરમાં છટકું ગોઠવીને કરાયેલા લાંચ અંગેના કેસમાં આરોપી સર્વેયર અશ્વિન શાંતિલાલ પટેલને અધિક સેશન્સ જજ શ્રી ઉનડકટની અદાલત દ્વારા જામીન અપાયા હતા. આરોપીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ સાથે ખીમરાજ ગઢવી, ઉમૈર એ. સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી અને ખુશાલ મહેશ્વરી રહ્યા હતા. કુરબઇ જમીન કેસમાં ચુકાદો ભુજ તાલુકાના કુરબઇ ગામની સર્વે નંબર 45-2 અને 46 ખાતેની જમીન બાબતના વિવાદમાં જમીનનું વેચાણ કરનાર પાર્ટીને વેચાણ કરારની બાનાની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કરાયો હતો. ભુજની દીવાની અદાલતે વાદી શિવજી નારાણ ખેતાણી તરફે આ ચુકાદો આપ્યો હતો. તેમના વકીલ તરીકે એમ.એચ. રાઠોડ, ધીરજભાઇ જાટિયા, એફ.એ. સમેજા, એચ.આઇ. શેખ અને શેરાબેન એ. રાઠોડ રહ્યા હતા.