અંજારના છેતરાપિંડી અને વિશ્વાસઘાત કેસમાં આરોપીના આગોતરા નકારાયા

અંજાર, તા. 6 : અત્રેના પોલીસ મથકમાં દાખલ થયેલા રૂા. 21 લાખની છેતરાપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આરોપી અંજારના દેવજી અમૃતલાલ સુથાર દ્વારા કરાયેલી આગોતરા જામીનની માગણી અદાલતે નકારી કાઢી હતી. અંજારના મહેન્દ્રભાઇ શિવજીભાઇ આહીર દ્વારા આ કેસની ફરિયાદ ગત ઓગસ્ટ મહિનામાં લખાવાઇ હતી. જેમાં ફરિયાદી અને સાહેદ કપિલ ધરમશી પટેલ દ્વારા અપાયેલા લોનના હપ્તાની રકમ ભરપાઇ ન કરીને કૃત્યને અંજામ અપાયો હોવાનો આરોપ મુકાયો હતો. દરમ્યાન અત્રે અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ આરોપી દેવજી સુથાર માટે કરાયેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી થઇ હતી. ગુનાની ગંભીરતા સહિતના પાસા કેન્દ્રમાં રાખીને આગોતરા અરજી નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. આ સુનાવણીમાં સરકાર વતી એ.પી.પી. આશિષ પંડયા તથા સાહેદના વકીલ તરીકે મહંમદઇકબાલ એ. દેદા, હાર્દિક એન. આહીર અને અલ્તાફ એ. બાયડ રહ્યા હતા.

Crime

© 2023 Saurashtra Trust