આરટીઈ હેઠળની ગ્રાન્ટના ચૂકવણા પૂર્વે ભ્રષ્ટ તત્ત્વો સક્રિય !
ભુજ, તા. 5 : દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા નબળા અને વંચિત જૂથના બાળકોને પણ સારી સુવિધાઓ ધરાવતી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માધ્યમની ખાનગી શાળાઓમાં સારું શિક્ષણ મળી શકે તે માટે આર.ટી.ઈ. એક્ટ હેઠળ ધોરણ-1માં પ્રવેશ અપાય છે, જેની ફી સરકાર દ્વારા ચૂકવાય છે પરંતુ લાખોની ચૂકવાતી આ ગ્રાન્ટ માટે જિલ્લા કે તાલુકા કક્ષાના કેટલાક પલળેલા અધિકારીઓ દ્વારા જાણીજોઈને મોડું કરી સંચાલકો પાસેથી ઉઘરાણા કરાતા હોવાના આક્ષેપો શિક્ષણ વર્તુળોમાંથી ઊઠી રહ્યા છે. જાણકાર શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આર.ટી.ઈ. હેઠળ દર વર્ષે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં 25 ટકાની મર્યાદામાં પ્રવેશ અપાય છે, આ પ્રવેશ લીધેલા બાળકોને ક્રમશ: ધોરણ 8 સુધી આ પ્રાથમિક શાળામાં મફત શિક્ષણની સુવિધાનો લાભ અપાય છે, જેમાં સરકાર દ્વારા દરેક વિદ્યાર્થી દીઠ વધુમાં વધુ રૂા. 13 હજારની મર્યાદામાં પ્રવેશ ફી ચૂકવાય છે, ઉપરાંત આ દરેક છાત્રને નોટબુક, સ્ટેશનરી, બૂટ-મોજાં સહિતની સામગ્રી માટે અલગથી વાર્ષિક રૂા. ત્રણ હજાર ચૂકવવામાં આવે છે. સરકારની આ ઉત્તમ યોજનાનો લાભ વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં શિક્ષણતંત્રના કેટલાક તાલુકાકક્ષાના અધિકારીઓ અડચણરૂપ બની ઉઘરાણા કરી રહ્યા છે જે શિક્ષણતંત્ર માટે શરમજનક ઘટના હોવાના આક્ષેપો ખુદ શિક્ષણતંત્રમાંથી જ ઉઠી રહ્યા છે. કચ્છમાં હાલ 400થી વધુ ખાનગી શાળા કાર્યરત છે જેમાંથી 350થી વધુ શાળામાં 9 હજાર જેટલા ગરીબ અને વંચિત જૂથના બાળકોને આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ અપાયો છે. હવે આટલી મોટી સંખ્યામાં બાળકોની ફીનો આંક લાખોને પહોંચતો હોઈ તેની ચૂકવણી વખતે ભ્રષ્ટ અધિકારીઓના મોઢે મધલાળ ટપકવા માંડે છે અને ગાંધીનગર નિયામક કક્ષાએથી આ ગ્રાન્ટ દીવાળી આસપાસ ચૂકવાઈ ગઈ હોવા છતાં જિલ્લા કે તાલુકાકક્ષાએથી ચૂકવણામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનું કેટલાક ખાનગી સંચાલકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. વળી ગત કોરોનાની પરિસ્થિતિમાં કેટલીક ખાનગી શાળાઓએ માનવતા દાખવી ફીમાં થોડીઘણી રાહત આપી હતી તો કેટલીકે બળજબરી પણ વાપરી હતી, તે પૈકી નબળી અને વધુ બાળકોની સંખ્યા ધરાવતી શાળાઓમાં લાખોની ગ્રાન્ટ સમયસર ન ચૂકવાતાં આવી શાળાઓ આર્થિક તાણ ભોગવી રહી છે. તો બાળકોના ખાતામાં સ્ટેશનરી સહિતના ખર્ચ માટે જમા થતી રૂા. ત્રણ હજારની ગ્રાન્ટ પણ સમયસર ન આવતાં નબળા વર્ગના બાળકોના વાલીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી તરફ ખાનગી શાળાઓના સંચાલકોના સંગઠનનું વજન પડતું ન હોવાથી શાળા સંચાલકો પણ લાચારી અનુભવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમ્યાન આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતાં તેમણે ગ્રાન્ટ જેતે તાલુકા અધિકારીઓને ચૂકવી દીધી હોવાનું જણાવી ચૂંટણીના કારણે આ ચૂકવણું અટક્યું હોવાનું જણાવ્યું હતું જે ટૂંક સમયમાં ચૂકવી દેવાશે.