કંડલાથી ગુજરાતનાં નાનાં બંદરો માટે ફેરી સેવા શરૂ કરવાની દિશામાં સર્વેક્ષણ કરાશે

ગાંધીધામ, તા. 6 : મહાબંદર કંડલાથી ગુજરાતના અન્ય નાના બંદરો માટે ફેરી સર્વિસ શરૂ કરવાની દિશામાં વિધાનસભા અધ્યક્ષની રજૂઆતના આધારે એક સર્વેક્ષણ હાથ ધરવા દીનદયાળ મહાબંદર પ્રાધિકરણની 16મીએ મળનારી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાશે. આ બેઠકમાં અન્ય વિવિધ નિર્ણયો લેવાવાના હોવાથી તે મહત્ત્વની બની રહેશે. ડી.પી.એ.ના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ ગયા એપ્રિલ મહિનામાં ભારતના શિપીંગ મંત્રાલયને એક પત્ર લખીને કંડલાથી ગુજરાતના નાના બંદરો સુધીની ફેરી સેવા શરૂ કરવા વિનંતી કરી હતી. કચ્છના પર્યટન માટે સહેલાણીઓને એક સારું આકર્ષણ ઉભું થાય તે માટે જળ પરિવહન સુવિધા મહત્ત્વની બની શકે. ઉપરાંત તેનાથી રોજગારીનું પણ નિર્માણ થાય તેવું વિધાનસભા અધ્યક્ષના પત્રમાં જણાવાયું હતું. આ રજુઆતના આધારે ડીપીએ દ્વારા આ ફેરી સેવા કેટલી ફાયદેમંદ થઇ શકે તે ઉપર એક સર્વેક્ષણ હાથ ધરવા આઇઆઇટીએમને રોકવા વિચાર્યું છે. આ નિર્ણય 16મીએ મળનાર ડીપીએ બોર્ડ બેઠકમાં લેવાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન પ્રાથમિક તબક્કે આ બોર્ડ બેઠક માટે 19 એજન્ડા મુકવામાં આવ્યા છે. જેમાં ફેરી સેવા સર્વેક્ષણ ઉપરાંત સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (કંડલા)ના જમીનના ભાવો હાલે જે છે તેમાં બે ટકાનો વધારો કરવો, વર્ષ 2015ની જમીન નીતિના આધારે કંડલામાં ગોડાઉન બાંધવા છ પ્લોટો 30 વર્ષની લીઝ અર્થે આપવા ઇ-ટેન્ડરીંગ કમ ઇ-એકશન કરવું. તુણા-ગાંધીધામના રસ્તામાં ચાર કિ.મી.નો ટુકડો ચાર માર્ગી કરવો, જુના કંડલામાં પ્રવાહી કારગો વહન અર્થે ઓઇલ જેટી વિકસાવવી, બંદર વપરાશકારો માટે સેવા સદન-2 બહુમાળી ઓફિસ ઇમારત ખડી કરવી, મહાબંદરના પશ્ચિમ દ્વાર-1 અને 2 તથા 12 નંબરની જેટી તરફ જતી રેલવે લાઇન પાસે જમીન વિકસાવવી, તુણાના માર્ગનું ચાર માર્ગીકરણ, ઓઇલ જેટી 8થી 11 માટે બેકઅપ એરિયા વિકસાવવો વગેરેનો પણ સમાવેશ થાય છે. હાલના તબક્કે આવેલા આ 19 એજન્ડા આઇટેમોમાં હજુય વધારો થવાની સંભાવના છે તેવું સુત્રોએ ઉમેર્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust