ભારાપરમાં યુવાનની હત્યા બાદ લાશને વડમાં લટકાવી

ભુજ, તા. 4 : તાલુકાના માનકૂવા પાસેના ભારાપર ગામે આજે સાંજે તળાવ પાસે વડના ઝાડમાં બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઘા મારી હત્યા નીપજાવેલી હાલતમાં ગામના 28 વર્ષીય યુવાન દિનેશ પચાણભાઇ મહેશ્વરીની લાશ લટકતી મળતાં ચકચાર પ્રસરી હતી. સનસનીખેજ આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભારાપરના વડઝર રોડ પર દેવરિયા તળાવ પાસે આજે સાંજે છ વાગ્યાના અરસામાં અપરિણીત એવા દિનેશની હત્યા નીપજાવેલી લાશ વડના ઝાડમાં લટકતી હોવાની વિગતો તેના ભાઇ પરેશ સુધી પહોંચતાં તેની લાશને ઉતારી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યે હતો. આ હત્યાના બનાવના પગલે માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.આર. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દિનેશના પરિજનોએ નોંધાવેલી વિગતો મુજબ દિનેશનો એકાદ માસ પૂર્વે છોકરાઓની બાબતને લઇને ગામના જ શખ્સ સાથે ઝઘડો થયો હતો, જેના મનદુ:ખમાં તેણે હત્યા નીપજાવ્યાની શંકા દર્શાવી છે. તપાસના હિત ખાતર પી.આઇ. શ્રી ચૌધરીએ આરોપીનું નામ આપવાનું ટાળ્યું હતું. વહેલી તકે તેને દબોચી પૂછપરછ હાથ ધરાશે તેવું શ્રી ચૌધરીએ જણાવ્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust