કેનેડા સામે બેલ્જિયમનો 1-0 ગોલથી વિજય

કતાર, તા. 24 : ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી અને ફીફા વિશ્વ ક્રમાંકની બીજા નંબરની ટીમ બેલ્જિયમે ફૂટબોલ વર્લ્ડ કપમાં તેના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ગ્રુપ એફની ગઇકાલે રમાયેલી આખરી મેચમાં બેલ્જિયમનો કેનેડા વિરુદ્ધ 1-0થી રોમાંચક વિજય થયો હતો. 37 વર્ષના લાંબા ઇંતઝાર બાદ વર્લ્ડ કપ રમી રહેલી કેનેડાની ટીમે પેનલ્ટી કિક સહિત ગોલ કરવાના એકથી વધુ મોકા ગુમાવ્યા હતા. કેનેડા સામેની જીતથી બેલ્જિયમ ગ્રુપ એફમાં 3 પોઇન્ટ સાથે ટોચ પર છે. આ ગ્રુપનો અન્ય એક મેચ મોરક્કો-ક્રોએશિયા વચ્ચેનો 0-0થી ડ્રો રહ્યો હતો. બેલ્જિયમની ટીમે સતત ત્રીજા વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ જીતી છે. મેચનો એકમાત્ર ગોલ બેલ્જિયમના યુવા ખેલાડી મિચી બતશુઆઇએ કર્યો હતો. બીજીતરફ કેનેડાએ ગોલ કર્યા વિના વિશ્વ કપમાં ચોથો મુકાબલો ગુમાવ્યો છે. જે ફીફા વર્લ્ડ કપનો રેકોર્ડ છે.

© 2022 Saurashtra Trust