ઉરૂગ્વેનું આક્રમણ કોરિયાની સંરક્ષણ હરોળ ભેદી શક્યું નહીં

દોહા તા.24 : ફીફા વર્લ્ડ કપમાં સતત ત્રીજા દિવસે એશિયાની ટીમ છાપ છોડવામાં સફળ રહી છે. ગ્રુપ જીની આજની મેચમાં મજબૂત ઉરૂગ્વેને દક્ષિણ કોરિયાની ટીમે 0-0થી ડ્રો પર રોકી છે. એક રીતે આ પણ એક અપસેટ જ છે. કારણ કે આ મેચમાં ઉરૂગ્વેની ટીમ જીત માટે હોટ ફેવરિટ હતી. જો કે કોરિયાની ડિફેન્સ હરોળને ઉરૂગ્વેની ટીમ ભેદી શકી ન હતી. ગત વિશ્વ કપમાં 63 મેચમાં ફકત એક મેચ જ ગોલરહિત ડ્રો રહી હતી. જયારે વર્તમાન ફૂટબોલ વિશ્વ કપમાં આ ચોથી ગોલરહીત ડ્રો મેચ છે. મેચમાં ઉરૂગ્વે પાસે પ6 ટકા અને દ. કોરિયા પાસે 44 ટકા બોલ પોઝિશન રહી હતી. ઉરૂગ્વેએ ગોલ પોસ્ટ ભણી 10 શોટ અને કોરિયાએ 7 શોટ માર્યાં હતા. બન્ને ટીમ આ શોટને ગોલમાં તબદીલ કરી શકી ન હતી. બન્ને ટીમના એક-એક ખેલાડીને યેલ્લો કાર્ડ મળ્યા હતા. ગ્રુપ જીની અન્ય બે ટીમ પોર્ટૂગલ અને ઘાના છે. જેમની મેચ હવે રમાશે. ઉરૂગ્વેના સ્ટાર સ્ટ્રાઇકર લૂઈ સુઆરેજની રમત નિસ્તેજ રહી હતી.

© 2022 Saurashtra Trust