ગુજરાતમાં ભાજપનાં શાસનથી લોકો ત્રસ્ત

ગુજરાતમાં ભાજપનાં શાસનથી લોકો ત્રસ્ત
ભુજ, તા. 24 : ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી મુશ્કેલ છે. ગઇ ચૂંટણીમાં કોંગ્રેસની કસર રહી ગઇ હતી આ વખતે પક્ષના નેતાઓ અને કાર્યકરો જાગૃતિથી પ્રચારમાં લાગ્યા છે. લોકોના આશીર્વાદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવશું તેવો દાવો આજે ભુજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી તારિક અનવરે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસના શાસન કરતાં મોંઘવારી, બેરોજગારી વધ્યાનો આક્ષેપ ભાજપ પર કર્યો હતો. ભાજપના 28 વર્ષના શાસન છતાં ગરીબી નિવારણ કુપોષણ અને શિક્ષણની સમસ્યા એમ જ છે. લોકો ત્રસ્ત બન્યા છે. મોરબીમાં 135 જણના જીવ ગયા, ઘણા ઘાયલ થયા તેની જવાબદારી મુખ્ય મંત્રીએ સ્વીકારી રાજીનામું આપવું જોઇએ પણ આશ્ચર્યની વાત છે કે ભાજપે કોઇ સંજ્ઞાન ન લીધું કોરોનામાં નિષ્ફળ રહ્યા. સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે. શિક્ષણ-સ્વાસ્થ્યનું ખાનગીકરણ ચાલી રહ્યું છે. ભુજની હોસ્પિટલ અદાણીને આપી દીધી. ભાજપ જેટલી માર્કેટીંગ ક્ષમતા કોંગ્રેસની નથી એમ અમે માનીએ છીએ. કોંગ્રેસના ઘોષણા પત્ર મુજબ અમે એલપીજી ગેસનો બાટલો 500માં આપશું બેરોજગારોને ભથ્થું આપશું ભાજપ પર આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં ધાર્મિક ઉન્માદ જગાવી લોકોને મુખ્ય સમસ્યાથી ભટકાવાય છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર ભુજ આવ્યા બાદ મોરબી, સુરેન્દ્રનગર જશે તેવું જણાવતાં તેમને મોટા પ્રચારકો કેમ નથી આવતાં તેવો સવાલ પુછતાં જણાવ્યું કે રાહુલ ગાંધી યાત્રા છોડી એકવાર આવ્યા પ્રિયંકા સહિતના મોટા નેતા આવવાની શક્યતા વ્યક્ત કરી હતી. લઘુમતીની મોટી સંખ્યા છતાં સ્ટાર પ્રચારકોની કચ્છમાં સભા ન યોજવા અંગેના સવાલમાં કહ્યું કે, ચૂંટણી સંભાળનારા જવાબદારોને જાણ કરશું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને બાજુએ હડસેલી દેવાતાં હોય તેવું ચિત્ર દેખાય છે તેના જવાબમાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, એવી વાત નથી. તાજેણરમાં ભુજ સુધરાઈના પૂર્વ વિપક્ષી નેતાએ ભાજપમાં જોડાવા સાથે જણાવ્યું કે, કોંગ્રેસમાં સંગઠન જેવું કઈં નથી તેવા સવાલ સામે જણાવ્યું કે, ચૂંટણી વખતે આવું થતું હોય છે.  રાપરનાં કોંગ્રેસ ધારાસભ્યના વિરોધ અંગેના જવાબમાં જણાવ્યું કે, લોકો ઉમેદવાર બદલી શકે તે માટે તો ચૂંટણી યોજાય છે. આ પત્રકાર પરિષદમાં ભુજ બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ જુમાભાઇ નોડે, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવકતા ઘનશ્યામભાઇ ભાટી, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, જિલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા અંજલી ગોર, ધીરજ રૂપાણી, મુસ્તાક હિંગોરજા વગેરે સંભાળી હતી.

© 2022 Saurashtra Trust