વિકાસ માટે ગાંધીધામની જમીનો મુક્ત કરાવવી છે

વિકાસ માટે ગાંધીધામની જમીનો મુક્ત કરાવવી છે
ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ સંકુલમાં આધુનિક બસ સ્ટેશન, એરપોર્ટ વિસ્તરણ, નાનાં-મોટાં આરોગ્ય કેન્દ્રો, જમીનના પ્રશ્નો લટકી પડયા છે. દીનદયાળ પોર્ટ હસ્તકની જમીનો પૈકી બંદર વિકાસ અર્થે જરૂરી જમીન પોતા પાસે રાખીને બાકીનો તમામ વિસ્તાર ડીપીએમાંથી મુક્ત કરાવવો એ મારી ધારાસભ્ય તરીકેની બીજી ટર્મમાં પ્રાથમિકતા રહેશે. આવનારી ચૂંટણી આસાનીથી અને 35 હજાર મતોની સરસાઇથી જીતવાનો ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ દાવો કર્યો હતો. ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં ભચાઉના ગ્રામ્ય વિસ્તારોને આવરી લીધા બાદ ભચાઉ શહેરમાં ઠેર ઠેર ઘૂમી રહેલાં માલતીબેન બપોરનાં ભોજન બાદ વિશ્રામ સમયે ભચાઉનાં ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે `કચ્છમિત્ર'ને મળ્યાં હતાં અને પોતાની કામગીરીને લઇને તેમને જ મત મળશે તેવી મક્કમ વાત રજૂ કરી હતી. વિપક્ષ તેમજ ભચાઉ પંથકનાં કેટલાંક ગામોમાં વ્યક્ત થતી નારાજગી અને આક્ષેપો સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ગાંધીધામ સંકુલમાં રામબાગ સરકારી હોસ્પિટલમાં પાંચ કરોડના ખર્ચે નવું મકાન બનાવી ઇમરજન્સી સેન્ટર દ્વારા 300 પથારીની હોસ્પિટલ બનાવાઇ છે. હવે તેને જિલ્લા સ્તરની હોસ્પિટલ બનાવવા તથા મેડિકલ કોલેજ શરૂ કરવા તરફ તેમના સતત પ્રયાસ છે. ભચાઉ તાલુકામાં 100 કરોડના રસ્તા મંજૂર કરાવ્યા છે. મારી યાદીમાં ત્યાંનો એક જ છાડવારા ગામનો રસ્તો જ બાકી છે. મતવિસ્તારનાં લગભગ તમામ ગામ, વિસ્તારોને ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી છે. દર છ મહિને પ્રવાસ કરું છું. ગાંધીધામને લાગેવળગે છે ત્યાં સુધી શિણાય ડેમ નર્મદાનાં જળથી ભરવા, ત્યાં પ્રવાસન કેન્દ્ર વિકસાવવા, શહેરમાં બે ઓવરબ્રિજ, બે અન્ડરબ્રિજનું નિર્માણ, ગાંધીધામનો મહાનગરપાલિકાનો પ્રશ્ન, સિટી બસની સુવિધા વગેરે માટે પ્રયાસ જારી છે અને રહેશે એવું તેમણે ઉમેર્યું હતું. વિપક્ષનો કોઇ જ પડકાર ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.

© 2022 Saurashtra Trust