વેપારી - ઉદ્યોગકારોને કોંગ્રેસનું અભયવચન

વેપારી - ઉદ્યોગકારોને કોંગ્રેસનું અભયવચન
ગાંધીધામ, તા. 24 : ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને આદિપુરના વેપારીઓ પાસેથી ડોનેશન ઉઘરાવી તેમને પરેશાન કરે છે. હું લોકોની સેવા કરવા ઉમેદવારી કરી રહ્યો છું. એક રૂપિયાનું ડોનેશન મારે લેવું નથી એટલે વેપારી-ઉદ્યોગકારોને કોંગ્રેસનું અભયવચન છે તેવી વાત ગાંધીધામ વિધાનસભા-5 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ સોલંકીએ કરી હતી. સવાર સવારમાં જ ગાંધીધામમાં આવેલી તેમની કચેરીએ પહોંચી જઇને `કચ્છમિત્ર' સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ભાજપના હાલનાં ધારાસભ્ય અને ઉમેદવાર બહેનથી ઘણા લોકો નારાજ છે. કામો થયાં નથી. મતવિસ્તારમાં હું ફર્યો અને મારી સમક્ષ ઘણા પ્રશ્નો આવ્યા. હરિપરમાં મહિલાઓને ગટરનો ત્રાસ છે. છાડવારા ગામમાં યોગ્ય રસ્તો નથી. બંધડીને નર્મદાનું પાણી નથી મળતું. ગાંધીધામનાં ભારતનગરમાં શૌચાલય, પોલીસ સ્ટેશન વગેરેની માગણી સંતોષાતી નથી. ગાંધીધામ સંકુલમાં વસતા પ્રરપ્રાંતીયો માટે રેલવે, વિમાનીસેવા યોગ્ય મળી નથી. અધૂરાંમાં પૂરું, દિલ્હીનું વિમાન બંધ?થાય છે. કોઇ નાગરિક સેવા ઊભી થતી નથી. પાસપોર્ટ કચેરી ગાંધીધામમાં હોવી જોઇએ. ભાજપ સામ, દામ, દંડ, ભેદથી મતો મેળવે છે. ગાંધીધામ ભાઇપ્રતાપનાં સ્વપ્નનું શહેર છે. મહાત્માનાં નામે સરદારની પ્રેરણાથી સ્થાપિત આવું શહેર જો સાચવી ન શકતાં હોઇએ તો તે દુ:ખની વાત છે. એક વડીલે રડતાં રડતાં મને કહ્યું ગાંધીધામને બગાડજો નહીં તેવી અંતરની દુઆ કરું છું તેવું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે મારું જીવન સાધુ જેવું છે. માત્ર સેવા એ જ મારો ઉદ્દેશ છે.

© 2022 Saurashtra Trust