કાર્તિકી અમાવસ્યાને પગલે નારાયણ સરોવર મંત્રોચ્ચારથી ગાજી ઊઠયું

કાર્તિકી અમાવસ્યાને પગલે નારાયણ સરોવર મંત્રોચ્ચારથી ગાજી ઊઠયું
દયાપર (તા. લખપત), તા. 23 : આજે કાર્તિક મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાવસ્યાના કારણે તીર્થધામ નારાયણ સરોવરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. કાર્તિક મહિનાના પૂર્ણિમાના દિવસે આજે અમાસના દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે અને પિતૃકર્મ માટે આવ્યા હતા. બીજીબાજુ દર્શનાર્થીઓ હોતા કાલસર્પ દોષ, પિતૃ દોષ, પિતૃતર્પણ તેમજ પોતાના ગોત્રના પિતૃઓને રાજી કરવા પવિત્ર સરોવર કાંઠો બ્રાહ્મણોના વૈદિક મંત્રોથી ગાજી ઉઠયો હતો. યજમાનોએ પિતૃઓની તર્પણ વિધિ ભાવપૂર્વક કરી રહ્યા હતા. ઈદમ જલમ તસ્મૈ સ્વધા નમ: તેમજ ૐ ભૂર્ભવ: સ્વ. સત્યેશાય અષ્ટૌ શક્તિ સહિતાય નમ: કરી સત્યેશ ભગવાનની પૂજા કરાવી હતી. પવિત્ર સરોવરમાં પુષ્કળ જળરાશિ હોતા શ્રદ્ધાળુઓ પણ આનંદથી વિધિવિધાનો કર્યા હતા. સરોવર કાંઠે મહિલાઓએ પીપળા વૃક્ષની પૂજા કરી સુતરના દોરીથી પ્રદક્ષિણા પૂજા કરી હતી. તો કયાંક પિંડદાન, પિતૃતર્પણની વિધિઓ પણ કાર્યરત હતી. અન્નક્ષેત્ર-ભોજનાલય આજે બપોરના અઢી વાગ્યા સુધી પણ ધમધમતું રહ્યું હતું. કાર્તિક મહિનાનો છેલ્લો દિવસ અને પિતૃ અમાસના શ્રદ્ધાળુઓએ ત્રિવિક્રમરાયજી ભગવાન અને શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. વળી નારાયણ સરોવરના દરિયામાં વિવિધ પક્ષીઓએ શોભા વધારી હતી. યાત્રિકોએ ફોટોગ્રાફી કરી હતી.

© 2022 Saurashtra Trust