નાના અંગિયાને જોડતા માર્ગની બદતર હાલતથી રોષ

નાના અંગિયાને જોડતા  માર્ગની બદતર હાલતથી રોષ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 24 : કચ્છના ગામડાઓના માર્ગો નવપલ્લિત થયા, અમુક ગામડાઓના રસ્તા શોભી ઊઠયા જ્યારે અમુક એવા પણ ગામડા છે કે જેને એક-એક દાયકો વીતી ગયો છતાં માર્ગની મરંમત થતી નથી. આવો જ એક અંગિયા નાનાને જોડતો રોડ છે, જે હવે ખખડધજ હાલતમાં છે. નખત્રાણા-ભુજ હાઈવે જતા જમણી બાજુ શિવમ ફાર્મ પાસેથી નાના અંગિયા ગામને જોડતો રસ્તો આજથી દસ વર્ષ પહેલાં ડામર બન્યો અને નાના અંગિયાના રહેવાસીઓને નાગલપર થઈ જવાનો ફેરો બચ્યો, પણ આ રસ્તો હવે એટલો બધો ખરાબ થઈ ગયો છે કે લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. એક દાયકા પહેલાં બનેલો આ રસ્તો હવે ઊબડખાબડ થઈ ગયો છે. રસ્તાના થોડે થોડે અંતરે ખાડા પડી ગયા છે અને જોખમી બની રહ્યા છે. આ રસ્તાને અમુક ઠેકાણે તો ડામર તો ઠીક કાંકરી પણ હવે દેખાવા લાગી છે એવું રોજબરોજ આવતા આ રસ્તા પરના લોકોએ જણાવ્યું હતું. તંત્ર આ રસ્તો વહેલી તકે દુરસ્ત કરે એવી માંગ કરાઈ છે.

© 2022 Saurashtra Trust