ગાંધીધામમાં ગરીબ - અભણ લાભાર્થીઓને ન્યાય અપાવશું

ગાંધીધામમાં ગરીબ - અભણ  લાભાર્થીઓને ન્યાય અપાવશું
ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ સોલંકીને શહેરી વિસ્તારથી માંડી બેઠકમાં આવતા ગામોમાં આવકાર મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. ગાંધીધામ શહેરમાં ડોર ટુ ડોરના લોકસંપર્કમાં ઉમેદવાર તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ ગાંધીધામની સ્થાપના વખતની વાત કરી હતી. કોંગ્રેસ એક એવો પક્ષ છે જે નાના માણસોનું હંમેશા ધ્યાન રાખ્યું છે. સરકારી કચેરીઓમાં ગરીબ લોકોની લાઇનો લાગે છે કોઇ કામો થતા નથી ઓનલાઇન લાભ મેળવવા ગરીબ લોકો પરેશાન છે કારણ કે અજાણ હોવાથી એજન્ટોથી લૂંટાય છે આવા સંજોગોમાં કોંગ્રેસ સરકાર આવતા ગરીબ-અભણ લોકોની સમસ્યા હલ કરવામાં આવશે તેવી ખાતરી અપાઇ હતી. તેમની સાથે રહેલા પ્રદેશ અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટાંચા સાધનો હતા સાધનોનો અભાવ હતો છતાં કોંગ્રેસે ગાંધીધામ શહેરની સ્થાપના કરી હતી. અહીં મહાબંદર હોવાના કારણે દેશભરના લોકો રોજગારી મેળવી રહ્યા છે. આમ આદમી પક્ષના આગેવાનો કે.કે. અન્સારી, એમ. એમ. શેખ, સતાર રાયમા, માલશી પરમાર સહિતના મોટી સંખ્યામાં કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડી પક્ષમાં જોડાઇ પ્રચાર ઝુંબેશ શરૂ કરી હતી. કોંગ્રેસના અગ્રણીઓ ગનીભાઇ માંજોઠી, દશરથસિંહ ખંગારોત, અમૃતદાસ ગુપ્તા, શેરબાનુ ખલીફા, રાધાસિંહ ચૌધરી વગેરેએ જીતાડવાની અપીલ કરી હતી.

© 2022 Saurashtra Trust