નર્મદાનાં નીરથી વાગડની સમૃદ્ધિ વધી

નર્મદાનાં નીરથી વાગડની સમૃદ્ધિ વધી
રાપર, તા. 24 : રાપરમાં આજે બીજા દિવસે ભાજપના ઉમેદવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કરાયો હતો. તેમજ સાંજે પ્રાંથળના વડામથક સમા બાલાસર ખાતે રાજસ્થાનના ઝાલોરના સાંસદ દ્વારા સભા યોજી રાપર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. બાલાસર ખાતે સભાને સંબોધન કરતાં ઝાલોરના સાંસદ દેવજીભાઈ પટેલે રાજસ્થાનમાં કોંગ્રેસના શાસનમાં રાજ્યની દારૂણ હાલત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારના આયુષ્માન કાર્ડમાં આખા દેશભાં સારવાર કરાવી શકાય, જ્યારે રાજસ્થાન સરકારનું કાર્ડ બીજે કયાંય ચાલતું નથી. રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપરથી જ બે રાજ્યની સ્થિતિનો ચિતાર આવી જાય. અનેક માળખાકીય સુવિધાઓ ગુજરાતમાં છે તેની સરખામણીમાં રાજસ્થાનમાં માળખાકીય સુવિધાઓનો અભાવ જણાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ઝાલોરના આખા જિલ્લાનું રોજ 20 હજાર લિટર દૂધ ઉત્પાદન છે, જ્યારે રાપર તાલુકાના એક ગામનું 60 હજાર લિટર દૂધ ઉત્પાદન છે, આ આંકડો જ ગુજરાતમાં પશુપાલન અને ખેતી સહિતના ક્ષેત્રે કેટલો વિકાસ થયો છે તે દર્શાવે છે. નર્મદા કેનાલથી રાપર તાલુકામાં સમૃદ્ધિ વધી હોવાનું જણાવ્યું હતું. તેમણે વીરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં રાપર તાલુકામાં ખૂટતી કડી પૂરવા માટેના તમામ સક્રિય પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી. આ વેળાએ રાપરના પૂર્વ ધારાસભ્ય અને ચૂંટણી ઈન્ચાર્જ પંકજ મહેતા, એકલધામના મહંત અને ચૂંટણી ઈન્ચાર્જ યોગી દેવનાથબાપુ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીર સોલંકી, તાલુકા પંચાયતના ઉપપ્રમમુખ કાનજીભાઈ ગોહીલ, રાજ બારી, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, લક્ષ્મણસિંહ સોઢા વિગેરે હાજર રહ્યા હતા. આ વેળાએ બાલાસર અને આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપને જંગી જીત અપાવવાની ખાતરી આપી હતી. આ દરમ્યાન રાપર તાલુકાના શાનગઢ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાપર તાલુકાના ગામડાઓ પૈકી શાનગઢ ગામ 100 ટકા નર્મદાનાં નીરથી પિયત કરતું ગામ બન્યું હોવાનું જણાવી લોકોને કરવી પડતી હિજરત ભૂતકાળ બની છે. ભાજપનું કમળ ખીલવવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust