વાગડમાં શાંતિ-સુરક્ષા માટે કોંગ્રેસને જીતાડો

વાગડમાં શાંતિ-સુરક્ષા માટે કોંગ્રેસને જીતાડો
રાપર, તા. 24 : મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચારકાર્ય પણ વેગવંતું બનતું જાય છે. આજે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ગઈકાલે સભાઓ ગજવ્યા બાદ ગામડાઓમાં લોકસંપર્ક કરાયો હતો અને લોકો તરફથી સારો આવકાર મળ્યો હતો. રાપર તાલુકાના ભીમાસરમાં સભા યોજ્યા બાદ રાત્રિના આડેસર ખાતે ભચુભાઈ આરેઠિયાએ સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યંy હતું કે, વાગડમાં ભૂમાફિયાઓએ કાંઈ બાકી રાખ્યું નથી. ચાર દિવસ તમે ખેતરે, વાડીએ કે તમામ પ્લોટ ઉપર ન જાઓ તો કોઈ ને કોઈ પથ્થર રાખી દે. આ દબાણની પ્રવૃત્તિ અટકાવવા માટે કોંગ્રેસને મદદ કરવા અપીલ કરી હતી. રાત્રિના સભા પૂર્વે બહોળી સંખ્યામાં લોકોએ ઢોલના તાલે ઉમેદવારનું સ્વાગત કર્યું હતું. બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દરમ્યાન આજે ત્રંબૌ, ધાડઘ્રો, સુવઈ, જેસડા, સુદાણાવાંઢ, ગવરીપર, નારણપર, વણોઈ, વણોઈવાંઢ, ખેંગારપર, કુડાજામપર, રામવાવ, વજેપર ખાતે જનસંપર્ક યાત્રા કરવામાં આવી હતી. જનસંપર્ક દરમ્યાન અપાર પ્રેમ આપવા બદલ ગ્રામજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં તેમણે લોકોને ભાજપની નકારાત્મક રાજનીતિને નકારી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી. વિવિધ ગામોમાં લોકોએ કોંગ્રેસના ઉમેદવારનું ઉમળકાભેર પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. આ વેળાએ રામવાવ ખાતે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દરમ્યાન કુડા ખાતે ભાજપની નીતિરીતિથી કંટાળી ઘણા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. આ યાત્રા દરમ્યાન લોકોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust