મતદાનના દિને સ્વૈચ્છિક બંધ પાળવા ચેમ્બર્સ દ્વારા અનુરોધ

ભુજ, તા. 24 : આગામી 1લી ડિસેમ્બર કચ્છમાં ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની યોજાનારી ચૂંટણીમાં સ્વૈચ્છિક બંધ પાળી મતદાન કરવા ભુજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને અનુરોધ કરાયો છે, તો ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર દ્વારા ચલાવાતા મતદાન જાગૃતિ અભિયાનને સંસ્થાએ સમર્થન આપ્યું છે. સંસ્થાના પ્રમુખ અનિલ ગોરે પહેલી ડિસેમ્બરે કચ્છમાં યોજાનારી ચૂંટણી અંતર્ગત તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખી વધુમાં વધુ મતદાન થાય તે માટે અનુરોધ કર્યો છે. આ દિવસે ગામડાઓમાં પણ પાંખી પાળવામાં આવતી હોય છે. ત્યારે લોકશાહીના પર્વે શહેરોમાં પણ આ દિવસે બંધ પાળી આ પર્વની ઉજવણી કરવી જોઇએ. વધુમાં ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર દ્વારા `મારો મત, મારી જવાબદારી' મતદાન જાગૃતિ અભિયાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ સંપૂર્ણ સમર્થન આપે છે તેમ જણાવ્યું હતું. આ પહેલને આવકારી દરેક પરિવારના પુખ્ત સભ્યો, સગા-સંબંધીઓ, પાડોશી સહિતનાને મતદાન કરવા અનુરોધ કર્યો છે.

© 2022 Saurashtra Trust