સાયણની સીમમાંથી પાવર ઓઇલ ચોરનારા ચાર શખ્સ જબ્બે

સાયણની સીમમાંથી પાવર ઓઇલ ચોરનારા ચાર શખ્સ જબ્બે
ભુજ, તા. 24 : ત્રણ દિવસ પૂર્વે જ નારાયણ સરોવર પોલીસ મથકે નાની-મોટી સાયણની સીમમાંથી દસ જેટલી પવનચક્કીની ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી 4.95 લાખના પાવર ઓઇલની ચોરી ફરિયાદ નોંધાયા બાદ નારાયણ સરોવર પોલીસે ગઇકાલે આ ઓઇલ ચોરનાર ચાર આરોપીને ઝડપી લીધા છે. 1800નો જ મુદ્દામાલ રિકવર થઇ ગયો છે અને બાકીનો માલ વેચી માર્યાની પ્રાથમિક વિગતો મળી છે. બીજી તરફ આ આજે કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગત તા. 14-11 પહેલા નાની-મોટી સાયણ સીમમાં સુઝલોન ગુજરાત વિન્ડ પાવર લિ. કંપનીની દશ જેટલી પવનચક્કીની ટ્રાન્સફોર્મર ટેન્કના ડ્રેન વાલ્વના પ્રોટેકશન કવરના બોલ્ટ ખોલી તેમાંથી 11000 લિટર જેની કિં. રૂા. 4.95 લાખના પાવર ઓઇલની ચોરીની ફરિયાદ બાદ નારાયણ સરોવરના પીએસઆઇ એમ.બી. ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવી ગુનો શોધવા પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. દીપસિંહ લક્ષ્મણસિંહ સોઢાને બાતમી મળી હતી કે, બરંદાના નરેન્દ્ર ઉર્ફે માવજીએ આ ચોરીને અંજામ આપ્યો છે. આ બાતમીના આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે માવજી વાંછિયાને ઝડપી તેની યુક્તિ-પ્રયુકિતથી પૂછતાછ કરતા ચોરીની કબૂલાત આપી હતી અને આ કામમાં જોડાયેલા જિજ્ઞેશ ઉર્ફે જીગો હરેશભાઇ જોશી, મામદ ઉર્ફે અધાભા (અધામા) ઇસ્માઇલ સમેજા અને મુબારક ઉર્ફે મુબો મામદ સમેજા (રહે. તમામ બરંદા)ને પોલીસે પાવર ઓઇલના બે કેરબા જેમાં લિટર 40 કિ. રૂા. 1840નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પીએસઆઇ શ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ દીપસિંહ ઉપરાંત હે.કો. સામજીભાઇ રબારી, યુવરાજસિંહ જાડેજા, ડ્રાઇવર ભુરુભા જાડેજા વિગેરે આ કામગીરીમાં જોડાયા હતા. દરમ્યાન આ ચારેય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમ્યાન ચોરાઉ માલ કોને વેંચ્યો છે. અથવા ક્યાં છે તેની વિગતો મેળવાશે. આમ ચોરાઉ માલ ખરીદનારની કડીઓ ખૂલતા તેની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે તેવું તપાસકર્તા પીએસઆઇ શ્રી ચાવડાએ જણાવ્યું છે.

© 2022 Saurashtra Trust