`સીઇસી પીએમ સામે પણ ફરજ બજાવે તેવા જોઇએ''

નવી દિલ્હી, તા. 23 : સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂંક મામલે દખલ કરતાં ચૂંટણી કમિશનર તરીકે નિયુકત અરુણ ગોયલની નિમણૂંક સંબંધી ફાઇલ માગી હતી. કોર્ટે કહ્યું કે, સુનાવણી શરૂ થયાના ત્રણ દિવસની અંદર જ આ નિમણૂંક કરવામાં આવી હતી. અમે જાણવા માગીએ છીએ કે, નિયુકિત માટે કઇ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. જો આ નિમણૂંક કાનુની છે તો ગભરાવાની શું જરૂર છે. અદાલતની સુનાવણી દરમ્યાન નિયુકિત ન થઇ હોત એ વધુ ઉચિત હતું. સરકારોએ ચૂંટણી પંચની સ્વતંત્રતા નષ્ટ કરી છે એમ કોર્ટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અરજીકર્તા પ્રશાંત ભૂષણે બંધારણીય પીઠને કહ્યું કે, ગુરુવારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારે એક સરકારી અધિકારીને  વીઆરએસ આપીને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક આપી દીધી હતી, જ્યારે  અમે તેને લઇને અરજી દાખલ કરી હતી. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનર (ઈસી)ની નિયુક્તિની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યા હતા. સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર એવા મજબૂત જોઈએ જે વડાપ્રધાન ઉપર કોઈ ભૂલનો આરોપ લાગે તો પણ તેની સામે કાર્યવાહી કરી શકે. સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, આ પદો પર યોગ્ય લોકોની જ પસંદગી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સીઈસી અને ઈસીની નિયુક્તિને વધુ પારદર્શી બનાવવા માટેની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ચૂંટણી કમિશનરોની પસંદગીનું કામ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિને સોંપવામાં આવવું જોઈએ. સુનાવણી દરમ્યાન કોર્ટે કેન્દ્ર સરકારને અનેક વખત ફટકાર લગાવી હતી. 2007 બાદ સીઈસીનો કાર્યકાળ `નાનો' કરવા સામે કોર્ટે સવાલ ઉઠાવ્યા બાદ એટર્ની જનરલ આર. વૈંકટરમણીએ જણાવ્યું કે, દરેક વખતે નિયુક્તિ વરિષ્ઠતાના આધારે જ કરવામાં આવતી હોય છે. એક મામલાને બાદ કરતાં આપણે ચૂંટણીપંચમાં વ્યક્તિના સમગ્ર કાર્યકાળને ધ્યાને લેવાની જરૂર છે, માત્ર સીઈસી તરીકેના કાર્યકાળને જ ધ્યાને લેવો ન જોઈએ. સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર એટલો મજબૂત જોઈએ કે, જરૂરત પડે તો તે વડાપ્રધાન સામે પણ પોતાની ફરજ બજાવી શકે. આ અંગે સરકારે જવાબ આપ્યો હતો કે, માત્ર કાલ્પનિક સ્થિતિના આધારે કેન્દ્રીય કેબિનેટ પર અવિશ્વાસ કરવો જોઈએ નહીં. હજુ પણ યોગ્ય વ્યક્તિઓની જ પસંદગી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યંy કે તમામ સરકારોએ ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખી છે. 1996 બાદથી સરકારોએ કોઈ પણ મુખ્ય ચૂંટણી કમિશનરને નેતૃત્વ કરવા છ વર્ષનો કાર્યકાળ નથી આપ્યો. બંધારણિય ખંડપીઠે આ મામલે અફસોસ વ્યક્ત કર્યો અને પૂછયુ કે આ સિસ્ટમનું સંપૂર્ણ રીતે બ્રેકડાઉન નથી ? કોર્ટે કહ્યંy કે ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં કાયદાની ગેરહાજરી એક ખતરનાક બાબત છે. ચૂંટણી કમિશનરના નાજૂક ખભાઓ પર અસિમિત શક્તિઓ છે જેનો કેન્દ્ર સરકાર ફાયદો ઉઠાવે છે. પાંચ જજોની બેંચે કહ્યંy કે સીઈસી અને ચૂંટણી કમિશનરોને કેવી રીતે ચૂંટવામાં આવે તે અંગે સંવિધાનના મૌનનું દરેક રાજકીય દળો દ્વારા શોષણ કરાયુ છે. ન્યાયમુર્તિ કેએમ જોસેફની આગેવાની હેઠળની બેંચે કહ્યંy કે તે પરેશાન કરનારી પ્રવૃત્તિ છે. ટીએન શેષન 1990થી 1996 સુધી સીઈસી હતા ત્યાર બાદ અત્યાર સુધી કોઈને પૂરો કાર્યકાળ આપવામાં આવ્યો નથી. સરકાર જાણીજોઈને એવા સીઈસીની નિયુક્તિ કરે છે જેને 6 વર્ષનો પૂરો કાર્યકાળ ન મળે. કોંગ્રેસની પૂર્વ યુપીએ સરકાર હોય કે વર્તમાનમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, આ એક પ્રવૃત્તિ રહી છે.

© 2022 Saurashtra Trust