લોકોના મતની તાકાત રાજ્યને વિકસિત બનાવે છે

વડોદરા, તા. 23 : ગુજરાત ચૂંટણીને લઇને વધુ એક ઝંઝાવાતી પ્રચારનો રાઉન્ડ શરૂ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વડોદરા, દાહોદ અને રાધનપુરમાં જાહેરસભા સંબોધી હતી. વડોદરાની જાહેરસભામાં મોદીએ કહ્યું હતું કે, ગયા 20 વર્ષમાં અનેક સમસ્યાને દૂર કરતા આજે ગુજરાત અહીં પહોંચ્યું છે. નવલખી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીએ જંગી સભાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે અહીં અટકવા માગતા નથી. આપણો સંકલ્પ છે આપણું ગુજરાત વિકસિત ગુજરાત હોવું જોઇએ. આ વિકસિત ગુજરાત કોણ બનાવે છે. આ વિકસિત ગુજરાત બનાવશે ગુજરાતનો નાગરિક. તમારા વોટની એક તાકાત એ વિકસિત ગુજરાત બનાવશે. આપણે અમૃતકાળમાં છીએ. 25 વર્ષ આપણા જીવનના મહત્ત્વના હોય તેમ આગામી 25 વર્ષ ગુજરાત માટે અત્યંત મહત્ત્વના છે. મોડી રાત્રે પણ બહેનો ફરતી હોય છે તે જોઇને બહારથી આવેલા લોકો આનંદ અનુભવે છે. અસામાજિક તત્ત્વોની દહેશત હતી. ગાંધીનગરમાં બેઠેલા લોકો તેમને આશ્રય આપતા હતા. કોંગ્રેસના જમાનાની રાજનીતિ હતી. ગુજરાતના લોકોને કોંગ્રેસના રેકોર્ડની ખબર હોવી જોઇએ. હવે ગુજરાત વિકાસની નવી ઉંચાઇ પર પહોંચ્યું. ભાજપે ઔદ્યોગિક વિકાસ માટે વાતાવરણ બનાવ્યું, તેનો લાભ ગુજરાતને મળ્યો. દાહોદમાં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું, પણ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર હતી, પણ તમારી ચિંતા ન કરી. દાહોદમાં તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, એક ભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે અને આદિવાસીઓની વાત કરે છે હું તેમને પૂછીશ કે જ્યારે  ભાજપે આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે ક્યાં હતા. કોંગ્રેસ જીતે તો એ લોકો મોઢું જ ન બતાવે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું આદિવાસી બહેનોના  રોટલા ખાઇને મોટો થયો છું. દાહોદ તો મારું જૂનું ને જાણીતું. એક ફોન કરીએ તો પણ કામ થઇ જાય. મારા ઘડતરમાં સંસ્કારમાં  તમારો મોટો ફાળો છે. વિકાસની વાતો કરતાં વડાપ્રધાને કહ્યું કે, અમે ત્રણ કરોડથી વધુ પરિવારોને પાક્કું ઘર આપ્યું છે અને રોજગારી આપી છે. અમે ગામડાંની પણ ચિંતા કરીએ છીએ. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં આજે વડાપ્રધાન મોદીની જંગી સભા યોજાઈ હતી, સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભાવનગર નજીકના ધોલેરા ખાતે વિશ્વનું સૌથી મોટુ મરીન હેરીટેજ મ્યુઝિયમ તેમજ ગ્રીન હાઈડ્રોજન કાઠિયાવાડમાં બનશે. વડાપ્રધાને પાલિતાણાના ટુરિઝમ વિકાસની પણ વાત કરી હતી. તેમણે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેમણે મહારાજા કૃષ્ણસિંહજીનો રોલ ભજવ્યો હતો. રાજકારણનો કક્કો પોતે ભાવનગરની ધરતીના સ્વ.હરિસિંહ ગોહિલ પાસેથી શીખ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, ભાવનગરનો વિકાસ થયો તેમાં વિશ્વ વિખ્યાત અલંગશીપ બ્રેકીંગ યાર્ડ, વ્હીકલ ક્રેપ યાર્ડ, કંટેનરનું ઉત્પાદન, નાના-મોટા ઉદ્યોગો જેના લીધે રોજગારીની તકો વધી છે. તેમણે ઉમેર્યુ હતું કે, વિશ્વનું સૌથી મોટુ સીએનજી ટર્મીનલ ભાવનગરમાં બનશે. વડાપ્રધાનની સભામાં કોળી સમાજના નેતા અને પૂર્વ મંત્રી પરસોતમ સોલંકીની હાજરી ચર્ચાનો વિષય બની હતી.

© 2022 Saurashtra Trust