અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર : 10 મોત

વર્જિનીયા, તા. 23 : અમેરિકામાં ફરી એક વખત ગોળીબારથી સામૂહિક સંહારની શુટિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ મુજબ વર્જિનીયામાં આવેલા એક વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યો છે અને અમુક અન્યને ઈજા પહોંચતા તાકીદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘટનાની ગંભીરતા અને સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો મૃત્યુઆંકમાં હજી પણ વધારો થઈ શકે છે. લોકોએ ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે ઘટનામાં શુટર પણ માર્યો ગયો છે. ઘણા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગોળીબાર વોલમાર્ટ સ્ટોરના મેનેજર દ્વારા જ કરવામાં આવ્યો હતો. ગોળીબાર બાદ મેનેજરે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. જો કે હજી સુધી આ રિપોર્ટની પુષ્ટિ થઈ શકી નથી. આ અગાઉ ફિલાડેલ્ફિયાના કેસિંગ્ટન અને એલેગેની વિસ્તારમાં અમુક બદમાશો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેમા 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગયા મહિને 13મી ઓક્ટોબરના રોજ અમેરિકી રાજ્ય ઉત્તરી કેરોલિનામાંથી પણ ગોળીબારનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પોલીસ કર્મચારી સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

© 2022 Saurashtra Trust