એમ્બાપે-ગિરોડની શાનદાર રમતથી ફ્રાંસનો ઓસી સામે 4-1 ગોલથી વિજય

અલ વકરાહ (કતાર) ,તા.23: સ્ટાર સ્ટ્રાઇકર કાઇલન એમ્બાપે અને ઓલિવિયર ગિરોડના શાનદાર પ્રદશનથી વર્તમાન ચેમ્પિયન ફ્રાંસે ઓસ્ટ્રેલિયાને 4-1 ગોલથી હાર આપીને ફીફા વર્લ્ડ કપના તેના અભિયાનનો જોરદાર આરંભ કર્યો છે. દિગ્ગજ સ્ટ્રાઇકર કરીમ બેનજેમાની અનુપસ્થિતિમાં યુવા સ્ટ્રાઇકર એમ્બાપેએ એક ગોલ અને ગિરોડે બે ગોલ કર્યાં હતા. આ મેચમાં ગિરોડે 71મી મિનિટે એમ્બાપેના ક્રોસ પર હેડરથી ગોલ કરીને થિયરે હેનરીના પ1 ગોલના નેશનલ રેકોર્ડની બરાબરી કરી હતી. ગિરોડ પાછલા વર્લ્ડ કપમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ચેમ્પિયન ફ્રાંસની ટીમ હવે શનિવારે ડેનમાર્ક વિરૂધ્ધ ટકરાશે. ત્યારે ગિરોડ પાસે હેનરીના વિક્રમને તોડવાની તક રહેશે. મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના ક્રેગ ગુડવિને 9મી મિનિટે ગોલ કરીને ફ્રાંસના પ્રશંસકોને હતપ્રભ કરી દીધા હતા. જો કે આ પછી તુરત જ ચેમ્પિયન ટીમે શાનદાર વાપસી કરીને સમયાંતર 4 ગોલ કરીને ઓસ્ટ્રેલિયા પર સંપૂર્ણ વર્ચસ્વ સાથે 4-1 ગોલથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. ફાંસ તેના સૌથી અનુભવી ખેલાડી કરીમ બેનજેમા વિના રમી રહ્યંy છે. તે ઇજાને લીધે વર્લ્ડ કપની બહાર થઇ ગયો છે.

© 2022 Saurashtra Trust