જેના `ખેરિયા'' સવળા પડિયા એના હાથમાં બાજી...

જેના `ખેરિયા'' સવળા પડિયા એના હાથમાં બાજી...
ઉદય અંતાણી - કુલદીપ દવે રાપર, તા. 23 : એક ઘા અને બે કટકા જેવી તાસીર ધરાવતા, અન્ય કોઈ ઉદ્યોગો નહીં, પરંતુ ખેતીક્ષેત્રે સમૃધ્ધ એવા આ વિસ્તારને વડાપ્રધાને મુખ્યમંત્રી હતા ત્યારે અષાઢી બીજના દિને યોજેલા કાર્યક્રમમાં વાગડ સૌથી આગળ એવું સુત્ર આપ્યું હતું, પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ 39 ગામમાં નર્મદાનાં પાણી વહ્યા સિવાય શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે ખુટતી કડીઓ, પાણીની સમસ્યા, વિકાસથી વંચિત સેંકડો વાંઢોમાં દારૂણ પરિસ્થિતિ સહિતની હાલત જોતાં વાગડ થીગડ-થાગડ જેવી હાલત છે. આ વાગડને વિકાસની ઊંચાઈએ લઈ જવાના ઈરાદા સાથે બન્ને મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. મતદારોના મિજાજ જાણવા માટે કચ્છમત્રિની ટીમે 150 કિલોમીટરની સફર ખેડી હતી. આ દરમ્યાન બંધારણીય મતાધિકારનો હકક ધરાવનારા મતદારોઓમાં કોના પક્ષમાં બોલવું અને કયા ઉમેદવારની તરફેણ કરવી એ સંકોચરૂપી વાદળો મોટાભાગના લોકોમાં જોવા મળ્યા હતા. `વર્તમાન ધારાસભ્ય ચૂંટણી પસે (પછી) કયાંય દેખાયા નથી.' આક્ષેપોભર્યો વર્તારો જણાયો હતો. શિયાળુ પાક લેવાનો સમય હોવાથી ધરતીપુત્રો ખેતીમાં વ્યસ્ત હોવાથી ગામડાઓમાં ઓછી હાજરી હોવાનું સ્થાનિકોએ કહ્યું. 11 ઉમેદવાર મેદાનમાં 6 નંબરની રાપર બેઠક ઉપર વર્ષ 2017ની માફક આ વખતે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. ભાજપે ગત ટર્મના માંડવી મુંદરાના ધારાસભ્ય અને ત્રણ પેઢીથી ભચાઉ તાલુકાના સ્થાનિક સ્વરાજમાં યોગદાન આપનારા પરિવારના વીરેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગત ટર્મના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના પતિ અને ખોડલધામના ટ્રસ્ટી તેમજ રાપરના પાટીદાર આગેવાન ભચુભાઈ આરેઠીયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા રવના વતની અને મુંબઇના સહકારી આગેવાન આંબાભાઈ પરબત પટેલને તક આપી છે. આ ઉપરાંત અન્ય 8 ઉમેદવાર મેદાનમાં છે. નગરપાલિકાની સ્થિતિ વર્ષ 2018માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં સુધરાઈની બેઠક 21માંથી વધીને 28 થઈ હતી. તેમાંથી હાલ 15 બેઠક સાથે ભાજપ સત્તાનું સુકાન સંભાળી રહી છે, જ્યારે કોંગ્રેસ પાસે 13 બેઠક છે. આમ, સુધરાઇમાં ભાજપ પાસે સત્તાની પાતળી સરસાઇ છે, જે આ મતવિસ્તારની તાસીર દર્શાવે છે. તાલુકા - જિલ્લા પંચાયત શાસન તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને પરાસ્ત કરી હતી. તાલુકા પંચાયતની ગત ટર્મમાં ભાજપ પાસે 18 બેઠક હતી, પરંતુ આ વખતે 21 બેઠક ઉપર જીત હાંસલ કરી ભાજપે શાસનધુરા સંભાળી હતી. જ્યારે ભચાઉ તાલુકાની બે અને રાપર તાલુકાની પાંચ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું. જ્ઞાતિવાર આંકડા રાપર તાલુકામાં જ્ઞાતિ સમીકરણના આંકડા ઉપર નજર નાખીએ તો સૌથી વધુ મતદાર ધરાવતી કોળી જ્ઞાતિના મતદારોની સંખ્યામાં 5722 મતદારના વધારા સાથે 47188એ પહોંચી છે. બીજા ક્રમે આવતા લેવા પટેલ સમાજના મતદારોનો આંકડો 3468ના વધારા સાથે 28367નો થયો છે, જ્યારે રાજપૂત સમાજના મતદારોમાં પણ 2969 વધારા સાથે નવો આંક 23196એ પહોંચ્યો છે. આ ઉપરાંત ક્ષત્રિય 15,237, આહીર 16,721, મુસ્લિમ 18,582, અનુ. જાતિના 24,118, કડવા પટેલના 1,806, આંજણા પટેલના 3,745, રબારી સમાજના 20,136, ગઢવી સમાજના 1,553, લોહાણા 3709, જૈન 6,712, બ્રાહ્મણ 7,073, ગોસ્વામી 3,906, સોની 1,355, સંઘાર 377, દરજી, સુથાર, લુહાર, 6,799, ભરવાડના 5,560 અને અન્ય સમાજના 13185 મતદાર છે. ત્રી મતદારની સંખ્યામાં વૃદ્ધિ ભચાઉના ગામડાં અને રાપર તાલુકાના 97 ગામડા અને 200થી વધુ વાંઢ સહિતનો મત વિસ્તાર ધરાવતા રાપર તાલુકામાં ગત વર્ષની તુલનામાં આ વખતે 31202 મતદારનો વધારો થયો છે. જેમાં 15,251 પુરૂષ અને 15951 ત્રી મતદાર નવા ઉમેરાયા છે. કુલ 1,29,770 પુરૂષ અને 1,17,852 ત્રી મતદાર સહિત 2,47,623 મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રચારનો માહોલ વર્ષ 2022ની ચૂંટણીની તુલનાએ રાપર શહેરમાં ભાજપના ઉમેદવારની જાહેરાત થયાના દિવસે જ ચૂંટણીનો માહોલ જામી ગયો હતો. શહેરની મધ્યમાં જ દેના બેન્ક ચોક ખાતે વિશાળ શમિયાણામાં ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાનું મધ્યસ્થ કાર્યાલય ધમધમી રહ્યું છે અને ભવાની પાર્ક ખાતેના શમિયાણામાં તાલુકા ભાજપની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેની સામે કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યાલય ખોલવામાં નથી આવ્યું. જનસંપર્ક કાર્યાલયથી જ કામગીરી કરવામાં આવી રહી છે. ટિકિટ ફાળવણી સમયે નારાજગી રાપર બેઠક ઉપર 30થી વધુ દાવેદારે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ નારાજગી વ્યકત કરી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું, પરંતુ તેમને પક્ષના મોવડી મંડળે સમજાવી લીધા છે અને તેઓ વીરેન્દ્રસિંહ જાડેજાને ટેકો આપી તેમના પ્રચાર કાર્યમાં ઈન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. મતદારોનો મૂડ અલ્પવિકસિત ક્ષેત્રના એપી. સેન્ટર રાપરમાં સવારના સમયે સ્થાનિક ચૂંટણીની ચોપાટની વાતચીતના અંશમાં બહાર આવ્યું હતું કે માહોલ ગમે તે બાજુ હોય  પરંતુ ઇવીએમમાં મત કોના પલડાંમાં પડે છે એ જોવાની વાત છે. સવારે પોણા દસ વાગ્યાના અરસામાં ભાજપના પ્રચાર કમળના તોરણોથી સજજ નીલપર ગામના ઓટલે  ચૂંટણીજંગની ઝીણવટપૂર્વક માહિતી મેળવવા કચ્છમિત્રના પાનાં ફેરવતા સ્થાનિક મારાજે કહ્યું હતું કે આ વખતે ભાજપનું જોર લાગે છે. બાકી તો મતદારો છે બાપા, આનું કાંઈ નક્કી નઈ કેમણી કોર જાય. આ વાર્તાલાપમાં વચ્ચેથી હાજરી પુરાવતા નિવૃત પેન્શનર વરિષ્ઠ મહિલાએ ઉમેર્યુ હતું કે જેના ખેરિયા સવળા પડિયા એના હાથમાં બાજી આવશે. એનો અર્થ એ કે, જે નાણાં વધુ આપશે, એની ઉપર મદાર રહેશે.. આમેય રાપર મતવિસ્તાર અને વિકાસની ઝંખનાને બાર ગાઉનું છેટું છે. બાદરગઢમાં પ્રવેશતાની સાથે ગામમાં રસ્તાઓ અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. ગામની ચોરે બેઠેલા ભાભાઓ પૈકીના એકે કહયું હતુ કે 70 વરહથી અનેક ચૂંટણીઓ જોઈ નાખી, ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પાછું વળીને જોતું નથી. અમારે અમારી સમસ્યાઓ સાથે  જીવન  પસાર કરવાનું છે. કોઈ આ પાહે લમણું દેતું નથી. થોડા ટાઈમ પહેલાં ગામમાં થયેલી ચોરીમાં ચોર પકડાયા, પણ પાછું મળ્યુ નહીં. આ ગામમાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની સભા જોવા મળી હતી. વાત કુનેહ અને દેખાડાની ગેવિંદપર ગામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થવા સૂર ઉઠયો હતો. હાઈવને અડીને આવેલા ચિત્રોડ ગામની મુલાકાતમાં  ભાજપની જાહેરસભાની તૈયારીઓ ચાલતી નજરે પડે છે. છૂટક વેપાર કરતા એક દુકાનધારકે કહ્યું હતું કે ભાજપનો માહોલ લાગે છે, તો એક જૂના કોંગ્રેસી મતદારે ટકોર કરી કે, અમારા ઉમેદવાર કુનેહપૂર્વક ચૂંટણી લડવામાં માને છે. દેખાડાના ભરોસે ન રહેજો.. સામખિયાળીથી રાધનપુર જતા ચારમાર્ગીય ધોરીમાર્ગ ઉપર આવેલા ગાગોદરમાં સ્થાનિકોએ વીરેન્દ્રસિંહે અનેક લોકોના કામ કર્યા હોવાથી આ વખતે ભાજપ આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ગામની અંદર ચા લારીએ ચાની ચુસકી મારતા મૂંછધારીએ કોંગ્રેસ જ આવશે તેવો દૃઢવિશ્વાસ સાથેનો દાવો કર્યો હતો. બાજુમાં ઊભેલા એક દુકાનદારે આ બેઠકમાં પુનરાવર્તન થતું રહ્યું છે. અહીંના લોકો નવા પ્રતિનિધિને તક આપી પાણી માપતા રહે છે. વાગડમાં મોદી, રાહુલ અને આપ કોઈ મહત્વ જ નથી. અમારે મન તે અમારા ફોન ઉપાડીને કામ કરે તે  ચૂંટાઈને આવશે તેવું વરિષ્ઠ નાગરિકે જતાં જતાં ઉમેર્યું હતું. પ્રાથમિક સુવિધા નથી મતદારોને મળવાની કચ્છમિત્રની યાત્રા કાનમેરમાં પહોંચતા મતદારોએ નારાજગી સાથે બળાપો કાઢતાં કહ્યું હતું કે વીજતંત્રના થાંભલા તૂટેલી હાલતમાં છે. પી.જી.વી.સી.એલ.ને જાણ કરવા છતાંએ કોઈ આવતું નથી. થોડા મહિનાઓ અગાઉ ક્ષતિગ્રસ્ત વીજ ટ્રાન્સફોર્મર બદલવા કહેવા છતાં કાંઈ કર્યું છે. જેના પરીણામે અનેક ઘરોમાં વીજળી આધારિત ઉપકરણો બળી જતાં ભારે નુકસાની આવી હતી. ભરઉનાળામાં ગામે બે દિવસ વીજળી વિના પસાર કરવા પડયા હતા. અન્ય પ્રાથમિક સુવિધા મુદે પણ લોકોના મુખમાં નારાજગીભર્યા શબ્દો બહાર આવ્યા હતા. દિવસના મધ્યાંતરે 2.45 વાગ્યાના અરસામાં વાગડના મોટા ગામો પૈકીના ભીમાસરમાં  કોંગ્રેસના ડીજે તાલે પ્રચાર કરતા કોંગ્રેસના મહિલા કાર્યકરો નજરે પડયાં હતાં. અહીંના બંને પક્ષની સમાંતર  હોડ હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. હમીરપર ગામના લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંને પ્રચાર કરી ગયા હોવાનું કહેતું હતું. કોણ આવશેના પ્રશ્ન સામે શાણા મતદારોએ કોઈ એક તો આવશે જ તેવું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું. ફતેહગઢમાં ભાજપ અને કોંગેસના નજીક-નજીક કાર્યાલયમાં સમર્થકોની અવરજવર ધ્યાને આવી હતી. આ વખતે પૂર્વ ધારાસભ્ય પંકજ મેતો (મહેતા) આવ્યા હોત તો ચૂંટણીની માહોલ કંઈક જુદો હોત. અહીં બંને ઉમેદવારોની વિશ્વાસપૂર્વક જીતના દાવાઓ થયા હતા. ભાજપનો ગામે-ગામ પ્રચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટે યોગી દેવનાથ બાપુ પંકજભાઈ મહેતા અને અંબાવીભાઈ વાવિયાને ચૂંટણી ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે ગામે ગામ સભાઓનું આયોજન કરાયું છે. આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી. રાષ્ટ્ર માટે છે. ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તેને વધુ આગળ વધારવાની આ ચૂંટણી છે. વીરેન્દ્રસિંહ વ્યક્તિ નથી રાષ્ટ્ર માટે છે તેવો સંદેશ લોકો સુધી પહોંચાડવા કાર્યકરો સક્રિય હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્ટાર પ્રચારકોની સભા બાદ ડોર ટુ ડોર પ્રચાર કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. જિલ્લામાં ભારે ચર્ચામાં રહેલી આ બેઠકમાં ભાજપ અને કોંગ્ર્રેસનો વેગવંતો પ્રચાર જોતાં કાંટાની ટકકર જણાઈ છે. આ વચ્ચે આપ દ્વારા ચૂંટણી પુર્વે જ ગામડાઓનો પ્રવાસ પુરો કરાયો છે. બંને પક્ષના ઉમેદવારોની વ્યકિતગત શાખ, જ્ઞાતિ સમીકરણો, ભૂતકાળના બનાવો, શહેર, ગામડાઓ, વાંઢોમાં સુવિધાનો અભાવ વિગેરે મુદ્ઓ વચ્ચે મતદારો ભાવિ ધારાસભ્ય બનાવવા નિર્ણાયક બનશે. આ બેઠકમાં પુનરાવર્તન કે પરિવર્તન તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. કોંગ્રેસ પ્રચાર માહોલ રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ રાજપૂતે કહયું હતું કે, પક્ષના આ ઉમેદવાર ભચુભાઈએ ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલાંથી લોકસંપર્ક કાર્યક્રમ અને પ્રવાસો આરંભ્યા હતા. આ મતક્ષેત્રમાં હાલમાં 80 ટકા ગામડાઓમાં સભા અને  પ્રચાર થયો છે. માત્ર 20 ટકા સ્થળોએ પ્રચાર બાકી, જે પણ ગણતરીના દિવસોમાં પૂર્ણ થશે. આ ઉપરાંત  સામાજિક બેઠકો  અને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચાલી રહયું છે. કોંગ્રેસની જીતની ગણતરીના પ્રશ્ન મુદે પુછતાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રચાર દરમ્યાન લોકજુવાળનો માહોલ જોતાં દરેક સમાજો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે. રાપરક્ષેત્રના મતદારો ખેડૂતપુત્ર ભચુભાઈનો સાથ કયારેય  નહીં મુકે અને તેને 30 હજારથી વધુ મતની લીડ વિજયી બનાવશે. જનતા આપને અજમાવશે આ ક્ષેત્રના ગ્રામ્યવિસ્તારોમાં આમ આદમી પાર્ટી (આપ)નો પ્રચારરથ પહોંચ્યો ન હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. કેટલાક મતદારોએ ઝાડુ અહીં આવ્યું ન હોવાનો સૂર પુરાવ્યો હતો. જેની સામે પ્રચાર ઝુંબેશ અને જીતની ગણતરી ઉપર પ્રકાશ પાડતા આપના ચૂંટણી કોઓર્ડીનેટર હિતેષભાઈ મકવાણાએ કહયું હતું કે, ચૂંટણી પહેલાથી પ્રચાર ચાલુમાં છે. હાલમાં જનસંપર્ક કાર્યક્રમો સાથે અમારા સમર્થકો પ્રચાર માટે ઉત્સાહપૂર્વક મોરચો સંભાળી રહયા છે. લોકો જ આ જંગ લડતા હોવાથી આ વખતે મતદારો પરિવર્તન  લાવશે. દિલ્હી અને પંજાબ સરકારના કામો અહીંના લોકોએ સોશિયલ મીડિયા સહિતના માધ્યમો ઉપર જોયા અને જાણ્યા છે. આ બેઠકમાં પક્ષની તરફેણમાં સારું પરિણામ આવશે. જીત કોની ? રાપર બેઠક ગુજરાતની સંવેદનશીલ ગણી શકાય તેવી છે. અહીંની રાજનીતિ જ્ઞાતિ આધારિત અને સ્થાનિક મૂડ-માહોલનું પ્રતિબિંબ ઝીલનારી હોય છે. વીરેન્દ્રસિંહ જાડેજા ભૂતકાળમાં અહીં ચૂંટણીની બાજી હારી ચૂક્યા છે, પણ આ વખતે ગાંધીનગરની પાંચ વર્ષની કામગીરીનું ભાથું ભરીને મેદાનમાં ઉતર્યા છે. સબળ ટીમ સાથે મતવિસ્તાર ધમરોળી રહ્યા છે. સામીબાજુ ભચુભાઇ આરેઠિયાએ છેલ્લી મુદ્દત દરમ્યાન `ધારાસભ્ય પતિ' તરીકે બિનસત્તાવાર જવાબદારી નિભાવી છે. કોંગ્રેસ છોડવાનાં પ્રલોભનો નિવાર્યાં છે. તેમની કાર્યશૈલી `લોકસંપર્ક' આધારિત છે. વાગડનો મતદાર અણધાર્યું કરવા ટેવાયેલો છે. ગઇ ચૂંટણીમાં આ ધરતીના પનોતાપુત્ર એવા બાબુભાઇ મેઘજી શાહ ડિપોઝીટ ગુમાવે એવી કોઇને કલ્પનાય નહોતી ને સંતોકબેન પંકજ મહેતાને હરાવીને બાજી મારી ગયાં હતાં.. ચૂંટણીનો જંગ ખૂબ દિલચશ્પ છે. 8મીએ આવનારાં પરિણામ વખતે વિજયની વરમાળા કોણ પહેરશે ? એનો જવાબ ભર્યાં નાળિયેર જેવો જ છે. ખૂલશે પછી ખબર પડશે.

© 2022 Saurashtra Trust