રાપરને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની આમ આદમી પાર્ટીની નેમ

રાપરને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની આમ આદમી પાર્ટીની નેમ
રાપર તા. 23 : ભાજપ કોંગ્રેસ ઉપરાંત દિલ્હી બાદ પંજાબમાં શાસન મેળવનાર આમ આદમી પાર્ટી દ્વારા રાપર બેઠક ઉપર રવના વતની અને મુંબઈના સહકારી આગેવાન આંબાભાઈ પરબત ગજોરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે કાર્યાલય ખાતે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાપર તાલુકામાં વ્યાપકપણે ફેલાયેલા ભ્રષ્ટાચારને દુર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત બેરોજગારોને ભથ્થું, 300 યુનિટ વીજળી ફ્રી સહિતની સરકારની યોજનાઓનો લાભ આ તાલુકાના લોકોને ત્વરાને મળે તેવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગામડાઓમાં પ્રચારમાં આવ્યા ન હોવાના ગ્રામજનેની વાત અંગે તેમણે કહ્યું હતું કે અમે ટિકિટ મળી તે પુર્વે જ વિવિધ ગામડાઓમાં પ્રવાસ પુરા કરી લીધા હતા. બે દિવસ દરમ્યાન પંજાબના કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રચાર કરવામાં આવ્યો અને આગામી દિવસોમાં પક્ષના અગ્રણી નેતાઓ પ્રચાર માટે આવશે તેવું જણાવ્યુ હતું. નવી મુંબઈ વાશીમાં અભ્યુદય કે.ઓપરેટીવ બેન્કમાં પુર્વ ડાયરેકટર રહી ચુકયા હોવાનું અને સમાજમાં અનેક સેવાકીય કાર્યો કર્યા હોવાનું જણાવી તેના આધારે મત મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. ત્યારબાદ પણ પાર્ટી માટે અને રાપર તાલુકાની સમસ્યા નિવારવા માટે સક્રિય ભુમિકા નિભાવતા રહેશું તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust