મિરજાપર પાસે ગટરની ચેમ્બરમાં ઊતરેલા બે યુવાનનાં મોત

મિરજાપર પાસે ગટરની ચેમ્બરમાં ઊતરેલા બે યુવાનનાં મોત
ભુજ, તા. 23 : મિરજાપરના બસ સ્ટેન્ડ પાસે ગટર સફાઇની કામગીરી અર્થે ચેમ્બરમાં ઊતરેલા ભુજના બે યુવાન કામદાર એવા ભરત શાંતિલાલ અઠવા (ઉ.વ. 29) અને રવિ રાજુભાઇ મારવાડી (ઉ.વ. 30)નું ગેસની ગૂંગળામણથી મોત થતાં અરેરાટી વ્યાપી છે. બપોરે બનેલા આ બનાવના પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા. દરમ્યાન લાશ સ્વીકારવાના મુદ્દે હોસ્પિટલમાં રાત સુધી ધમાચકડી મચી હતી. આજે બપોરે બે વાગ્યા આસપાસ મિરજાપરના બસ સ્ટેન્ડ પાસે ગટર સફાઇનાં કામ અર્થે ભરત અને રવિ ગટરની ચેમ્બરમાં ઉતર્યા બાદ ગેસ ગળતરની ગૂંગળામણ થતાં બેશુદ્ધ બની ગયા હતા. આ ઘટનાના પગલે 3.15 વાગ્યે ભુજની ફાયરબ્રિગેડને ફોન આવતાં ટીમ તાબડતોબ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને બંને યુવાનોને મહામહેનતે બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ આ બંને યુવાનોને જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં તબક્કાવાર બંને યુવાનોને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તબક્કે ઝેરી ગેસની ગૂંગળામણના લીધે બંને મૃત્યુ પામ્યા હોવાનું તારણ બહાર આવ્યું છે. ચકચારી આ બનાવના પગલે બપોરે જોતજોતામાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. બીજી તરફ અસરગ્રસ્તો જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયાના અહેવાલ વહેતા થતાં હતભાગીઓના સંબંધીઓ ઉપરાંત સાથી કર્મચારી વિગેરે પણ હોસ્પિટલ ધસી ગયા હતા. બીજી તરફ ભુજ ફાયરની ટીમના સાવન ગોસ્વામી, રવિરાજ ગઢવી, દિલીપ ચૌહાણ, સત્યજિતસિંહ ઝાલા, રફીક ખલીફા, જગા રબારી તથા પીયૂષ સોલંકીએ હતભાગીઓને ગટરમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હોવાનું અલગ યાદીમાં જણાવાયું છે.

© 2022 Saurashtra Trust