રંગોળી સ્પર્ધાનાં આયોજન સાથે ફીબોનાચી દિવસઊજવાયો

રંગોળી સ્પર્ધાનાં આયોજન સાથે ફીબોનાચી દિવસઊજવાયો
ભુજ, તા. 23 : પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા ઇટાલિયન ગણિતજ્ઞ લિઓનાર્દો ફીબોનાચી દ્વારા શોધવામાં આવેલ નંબરની ગોઠવણી 1, 1, 2, 3, 5, 8, 13...ના ગણિતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખી ફીબોનાચી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફીબોનાચી સિકવન્સ ગોલ્ડન રેશિઓને અનુસરે છે, જેનું મૂલ્ય 1.62 છે. પ્રકૃતિમાં મનુષ્ય શરીર રચનાથી લઇ વનસ્પતિઓ, સમુદ્રના મોજાં, ફૂલોની રચના, શંખની બનાવટ તેમજ બ્રહ્માંડની વિશાળ આકાશગંગામાં ગોલ્ડન રેશિઓ અને ફીબોનાચી સિકવન્સ જોવા મળે છે. કુદરતમાં જોવા મળતી આ અદ્ભુત રચના પર આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી 11 વર્ષની બાળકીથી લઇને 64 વર્ષના વડીલ સુધીના 55 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા તરીકે પ્રથમ ક્રમાંકે આર્યન વિનુભાઇ સુથારને રૂા. 1500, દ્વિતીય ક્રમાંકે ગોરસિયા અંજની લાલજીભાઇને રૂા. 1000 અને તૃતીય ક્રમાંકે ખત્રી વનિતાને રૂા. 500 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ભાગ લેવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. રંગોળી ફક્ત ફીબોનાચી આર્ટ પર બનાવવામાં આવી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભુજના પ્રખ્યાત ચિત્રકાર બિપીનભાઇ સોની તેમજ ફાઇન આર્ટસમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રિયાબેન વાગડિયા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિજનલ સાયન્સ સેન્ટર-ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રવિ ધોળકિયા, ક્રિષ્ના માવાણી અને સેન્ટરના અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે કચ્છમાં આ પ્રકારના દિવસની ઉજવણીના ભાગરૂપે કોઇ સ્પર્ધાનું આયોજન પ્રથમવાર થયું હતું. ઉલ્લેખનીય છે કે ભુજમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત થયા બાદ આવી અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન થતું આવ્યું છે.

© 2022 Saurashtra Trust