ભાજપ વાગડની સેવા કરશે, સુરક્ષા આપશે

ભાજપ વાગડની સેવા કરશે, સુરક્ષા આપશે
રાપર, તા. 23 : સંકટ સમયે નાગરિકો સાથે જેને સંવેદના હોય, સમૃદ્ધિમાં સહાયક હોય, આસ્થાનું જે સન્માન કરતો હોય તેને સત્તામાં બેસવાનો અધિકાર છે. કચ્છમાં કમલ કમલ કમલ જ દેખાવું જોઈએ. ભાજપના રાપર બેઠકના ઉમેદવાર સેવા કરશે અને સુરક્ષા પણ આપશે તેવું ઉત્તરપ્રદેશના મુખ્મંત્રી યોગી આદિત્યનાથે રાપર ખાતે વિશાળ વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતાં વ્યકત કરી હતી. પ્રાગપર ચાર રસ્તા પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જંગી મેદનીને સંબોધન કરતાં યોગી આદિત્યનાથે પ્રવચનનો આરંભ ગુજરાતીમાં કચ્છની ખમીરવંતી જનતાને રામ રામ કહીને કર્યો હતો. તેમેણે કહ્યુyં હતું કે, માંડવી-મુંદરાના ધારાસભ્ય અને રાપર બેઠકના ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાના નૈતૃત્વ તળે રાપર તાલુકામાં વ્યાપક વિકાસની સંભાવના રહેશે અને કોંગ્રેસની ગુંડાગીરી ખતમ કરવામાં સફળ રહેશે. તેમનો પરિવાર પેઢીઓથી જનતા જનાર્દનની સેવામાં કટિબદ્ધિ છે અને વાગડની સેવા કરવા માટે કટિબદ્ધ છે ત્યારે રાપરની જનતાની સેવા કરવા માટે પક્ષે તેમને માંડવીથી રાપર મુકયા હોવાનું જણાવી જંગી બહુમતીથી તેમને વિજય અપાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કંથકોટ ખાતે નાથ સંપ્રદાયના તપસ્વીઓ દ્વારા તપસ્યા કરવામાં આવી હતી અને જાડેજા રાજાઓ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો. ભૂંકપ સમયે કંથકોટ જવાનો અવસર મળ્યો હોવાનું જણાવી  આજે પણ લોકોને તેના ઉપર આસ્થા છે તેવું  કહી તપસ્વીઓને નમન કર્યા હતાં. તેમણે વકતવ્ય દરમ્યાન નયા ભારતના વિકાસ માટે અને દેશના ધાર્મિક સ્થાનોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા કાર્યોનો ચિતાર આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની ધરતી દેશને નેતૃત્વ આપનારી ધરતી છે. મથુરામાં જન્મેલા ભગવાન કૃષ્ણ ગુજરાતની ભૂમિમાં આવ્યા ને દ્વારિકાધીશ કહેવાયા, ગુજરાતે મહાત્મા ગાંધી , સરદાર પટેલનું નેતૃત્વ દેશને આપ્યું છે અને કોંગ્રેસની પરિવારવાદ અને  ભ્રષ્ટાચારની રાજનીતિમાંથી દેશને ઉગારવા ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યા છે. ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સ્વતંત્રદેવસિંહે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, લક્ષ્મીજી કમળ ઉપર બેસીને આવે છે. ઝાડુ કે પંજા ઉપર બેસીને નહીં આવે. માતૃભૂમિના સન્માન માટે નાત-જાતને, પરિવારવાદ ન જોઈ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ આ ચૂંટણી રાપર, વાગડ કે ગુજરાતની નહીં 2024ની લોકસભાની ચૂંટણીનો પાયો નાખવાની આ ચૂંટણી છે. તેમણે કહ્યું હતું કે, આવનારો સમય ખેતી, ખેડૂત, વાગડ અને કચ્છનો છે. મારી અને વીરેન્દ્રસિંહની જે કલ્પના છે તેને પૂરી કરવાની ખાતરી તેમણે આપી હતી. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ગત પાંચ વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્ય નિક્રિય રહ્યા. જિલ્લા સંકલનની બેઠકમાં કે વિધાનસભામાં હાજરી ન આપી અને પ્રશ્નો ઉઠાવ્યા નહીં તે માટે વાગડ આગળ નથી વધ્યું. તેમણે વીરેન્દ્રસિંહના ધારાસભ્ય બનાવાના પાંચ વર્ષમાં જ નહીં પ્રથમ વર્ષમાં જ વાગડના 42 ગામ જે નર્મદા કેનાલથી વંચિત છે તેને પૂરા કરવાની ખાતરી આપી હતી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજી ભીખા ગોહીલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી વિગેરેએ પ્રાસંગિક વકતવ્ય આપ્યા હતા. આ વેળાએ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજી હુંબલ, વાડીલાલ સાવલા, રાજસ્થાનના ધારાસભ્ય હમીરજી ભાયલ, એકલધાના મહંત યોગી દેવનાથબાપુ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીર સોલંકી, રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દાનાભાઈ વાવિયા, નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવિયા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, વાઘજીભાઈ પ્રજાપતિ, જાગૃતિબેન શાહ, લક્ષ્મણસિંહ સોઢા, રાજ બારી તેમજ સંતો-મહંતો, અગ્રણીઓ હાજર રહ્યા હતા. સભામાં ચોબારીથી આડેસર સુધી અને સૂરજબારીથી ધોળાવીરા સુધી લોકો સભામાં ઊમટી પડયા હતા. સંચાલન ભચાઉ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન વિકાસ રાજગોરે સંભાળ્યું હતું. પ્રચારની શરૂઅતાથી જ સેંકડો કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે કોંગ્રેસના કાંતિલાલ નાથાણી, ધારાભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

© 2022 Saurashtra Trust