આહીરપટ્ટીમાં કોંગ્રસને ઉમળકાભેર આવકાર

આહીરપટ્ટીમાં કોંગ્રસને ઉમળકાભેર આવકાર
ભુજ, તા. 23 : તાલુકાની આહીરપટ્ટીના વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અરજણ દેવજી ભુડિયાને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. લમ્પી વાયરસના લીધે માલધારી સમાજના પશુઓની પરિસ્થિતિ સાંભળી અરજણ ભુડિયા આંસુ રોકી નહોતા શક્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા કોંગ્રેસના લેવા પટેલ સમાજના ઉમેદવાર અરજણભાઇએ ભુજ તાલુકાના જૂના સરગુ, મધન, નેરી, મીસડિયાડો, ભોજરડો, ઉડઇ, લખાલા, છછી, બેરડી, ઉમેદપર, કોટાય, કુનરિયા, નોખાણિયા, જતવાંઢ, ઝુરા, ઝુરા કેમ્પ, સુમરસર (શેખ), ઢોરી વગેરે ગામડાઓમાં પ્રવાસ કરી જનસંપર્ક કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન અરજણભાઇએ જણાવ્યું હતું કે, રણકાંધીમાં આવેલા ગામડાઓ અને આહીર સમાજના ગામડાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં માલધારી સમાજ વસવાટ કરે છે ત્યારે લમ્પી વાયરસના સમયમાં પોતાના જીવ માટે ઝઝૂમતા પશુઓ માટે સરકાર પોતાની ફરજ ચૂકી હતી. અનેક પશુઓ મૃત્યુ પામ્યા હતા જેની વેદના સાંભળતાં જ આંખોમાં અશ્રુ સરી પડે છે ત્યારે જીવથી વધારે પશુઓને માનતા આ માલધારી સમાજ માટે મને મોકો મળશે તો સતત એમની સેવામાં તત્પર રહીશ. આ પ્રવાસ દરમ્યાન ભુજના પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહીરે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે જ્યારે ખૂબ જ સરળ સ્વભાવના અને વિકાસપુરુષની નામના મેળવી છે તેવા અરજણ ભુડિયાને ગાંધીનગર મૂકી ભુજની સેવા કરવાનો મોકો આપજો. આ પ્રવાસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમ ચાકીએ જણાવ્યું કે, કોઇ પણ ભ્રામક પ્રચારમાં આવ્યા વગર કોંગ્રેસ તરફી મતદાન કરી અરજણ ભુડિયાને જંગી મત આપી વિજયી બનાવવાની અપીલ કરી હતી. પ્રવાસમાં વિધાનસભા ઇન્ચાર્જ જુમાભાઇ નોડે, જિ.પં.ના પૂર્વ સદસ્ય હરિ પાચા આહીર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ આહીર, ધર્મેન્દ્ર ગોહિલ, ત્રિકમ રવા વગેરે આગેવાનોએ ઉદ્બોધન કર્યા હતા. સંચાલન હરિ ગોપાલ આહીરે અને દીપક ડાંગરે કર્યું હતું. આ પ્રવાસમાં જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રમેશ આહીર, દામજી વારોત્રા, શિવજી રૂપા, લખુભાઇ વેલા, ભગુભાઇ ચાડ, વાલભાઇ બતા, એચ. એસ. આહીર, ત્રિકમ વારોત્રા, ગોપાલ રૂપા, રાણા મેરિયા, હાજી હાસમ, ધનજી મેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ઘનશ્યામસિંહ બાટી અને ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું. દરમ્યાન 25 દિવસ જેલમાં ગુજારનારા ગૌભક્ત કુનરિયાના ભરત ડાંગર તથા હરિ લાધાણી તેમજ અન્ય એક યુવાન કાનજીભાઇ ખેંગાર (કુનરિયા) કોંગ્રેસમાં જોડાયા હતા.

© 2022 Saurashtra Trust