આમ આદમી પાર્ટી વિજય પ્રાપ્ત કરશે

આમ આદમી પાર્ટી વિજય પ્રાપ્ત કરશે
ભુજ, તા. 23 : ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું આર્થિક અને સામાજિક જીવનધોરણનું ઊંચુ આવે અને લોકલક્ષી તેમજ લોકપયોગી કાર્યો કરવાની ઈચ્છા સાથે રાજકારણ બદલવા આવેલી આમ આદમી પાર્ટીએ આજે માંડવી વિધાનસભા વિસ્તારના પ્રવાસ દરમ્યાન ભારે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન પ્રજા તરફથી મળતો ઉષ્માભર્યા આવકાર જ સાબિત કરી આપે છે કે, માંડવી બેઠક પર તેમની જીત નિશ્ચિત છે.  આજે ઉમેદવાર કૈલાસદાનભાઈ ગઢવીએ મુંદરા તાલુકાના મોટા કાંડાગરા, ટુંડા વાંઢ, શિરાચા, નવીનાળ, પ્રતાપપર, બોરાણા, ધ્રબ, નાની ભુજપુર, મોટી ખાખર, નાના કપાયા સહિતના ગામોનો પ્રવાસ કરી ગુજરાતમાં પોતાની પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આ ગામોના લોકો પણ બહુજન હિતાય બહુજન સુખાયના પાર્ટીના મંત્રનો સ્વીકાર કરી પ્રજાહિત માટે પાર્ટીની તરફેણમાં મતદાન કરવા કહ્યું હતું. ઉપસ્થિતો દ્વારા તેમની અપીલને વધાવી લેવામાં આવી હતી. તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી બિલ, ટેક્સ, કિસાનોની મુશ્કેલીઓ સહિતના મુદ્દાઓ પરત્વે મતદાતાઓને જાગૃત કર્યા હતા. માજી પોલીસ અધિકારી વિજયભાઈ ગઢવીને આ બેઠક પર સંપૂર્ણ પરિવર્તનનું માળખું વિકસિત થઈ રહ્યું છે ત્યારે અન્ય પક્ષોને જાકારો આપી સમાજ અને રાષ્ટ્રહિતને વરેલી તેમજ બોહળી લોકચાહના ધરાવતા ઉમેદવાર કૈલાસદાનભાઈ ગઢવીને એક મોકો અવશ્ય આપવો તે સમયની માંગ હોવાનું જણાવ્યું હતું. વિવિધ ગામોમાં આજે મતદાતાઓ સાથેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સંજયભાઈ બાપટ, વિજેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, રતનભાઈ ગઢવી, વાલજીભાઈ ગઢવી સહિતના જોડાયા હતા. બોરાણામાં ગઢવી સમાજ દ્વારા ઉમેદવારના સન્માન સાથે તેમની પડખે રહેવાનો ભાવ પ્રદર્શિત કરાયો હતો. શિરાચા ગામે 40 જેટલા લોકો પાર્ટીમાં જોડાયા હતા.

© 2022 Saurashtra Trust