માંડવી-મુંદરાના ગામડાઓ સર્વાંગી વિકાસથી વંચિત

માંડવી-મુંદરાના ગામડાઓ સર્વાંગી વિકાસથી વંચિત
ભુજ, તા. 23 : માંડવી વિધાનસભાના કોંગ્રેસના યુવા ઉમેદવાર રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ માંડવીના વિવિધ ગામડાઓમાં પ્રવાસ કરી લોક પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના નિરાકરણ માટેની ખાતરી દર્શાવી હતી. હમલા અને મંજલ ગામે શ્રી જાડેજાએ આગેવાનો સાથે બેઠક કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જયારે શેરડીમાં ગ્રામ લોકોએ ખાણ ખનિજના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા?હતા. શેરડીની પાપડીના પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા હોવાનું અને આજુબાજુની કંપનીઓનું ફંડ ગામ વિકાસ માટે નથી વપરાતું એ બાબતે રજૂઆતો સ્થાનિકોએ કરી હતી. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ જાડેજાનો ગામના આગેવાનોએ બહુમાન કર્યું હતું. રાજુભા જાડેજાએ માત્ર રસ્તાઓ બનાવવાથી વિકાસ થઈ શકે નહીં ગામડાઓમાં આનુસંગિક સુવિધાઓ વિકસાવવાના બદલે માત્ર વિકાસના નારા લગાવતી ભાજપ સરકારના રાજમાં માંડવી-મુંદરાના ગામડાઓ સર્વાંગી વિકાસથી વંચિત રહી ગયા છે. કોંગ્રેસને મતદારો ચૂંટશે તો અનેક ગામ વિકાસના કાર્યો સાર્થક કરવાની ખાતરી તેમણે આપી હતી અને આ વિસ્તાર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ વિજય સાગર ડેમ અને ખારોડ ડેમની કેનાલ સફાઈ કરવા અને સત્વરે સિંચાઈના પાણીનો લાભ ખેડૂતોને મળતો થાય તે માટેના પ્રયાસો કરવાની તત્પરતા દર્શાવી હતી. વિપક્ષી નેતા એડવોકેટ અરવિંદસિંહ જાડેજા અને વિપક્ષી નેતા વલ્લભ વેલાણીએ પરિવર્તનની રાહ પર ચાલતા મતદારો કોંગ્રેસને પ્રચંડ બહુમતી અપાવે તેવી અપીલ કરી હતી. રાજુભા જાડેજાએ વાંઢ, આશરાણી, રાજપર, ભેરૈયા, નાની વિરાણી, ફીલોણ, રાજડા, ડોણ, મદનપુરા, કોડાય, રાયણ મોટી-નાની સહિત ગામોનો પ્રવાસ કર્યો હતો. જયાં ગ્રામજનોએ બહોળું સમર્થન આપ્યું હતું. આ લોકસંપર્ક પ્રવાસમાં પ્રવીણભાઈ વેલાણી, ખેરાજભાઈ ગઢવી, મયૂરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, રમણીક ગરવા, નારાણ સંગાર, નરેન્દ્રસિંહ ઝાલા, જશુભા જાડેજા, શામજી સંગાર સહિત આગેવાનો જોડાયા હતા.

© 2022 Saurashtra Trust