ભુજની જી.કે.માં સારવાર અર્થે આવેલા અજાણ્યા આધેડનું ગેટ પાસે મોત

ભુજ, તા. 23 : હરસની બિમારીની સારવાર અર્થે ભચાઉથી આવેલા અજાણ્યા આધેડનું ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ગેટ પાસે મોત થયું હતું. જ્યારે મુંદરામાં નાના કપાયાના 26 વર્ષીય યુવાન મજુર ચેતનરામ હરુરામ મેઘવાળે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ભચાઉના 53 વર્ષીય અજાણ્યા આધેડ હરસની બિમારીની સારવાર અર્થે આવ્યા હતા. ગઈકાલે બપોરે તે હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા અને ગેટ પાસે બેભાન અવસ્થામાં મળતા તેને હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા આધેડની ઓળખ શોધવા તપાસ હાથ ધરી છે. મુંદરાના નાના કપાયામાં જિંદાલ કંપની પાસે એચ.પી. ગેસ ગોદામ પાછળની વસાહતમાં રહેતા 26 વર્ષીય મજુર યુવાન ચેતનરામ હરુરામ મેઘવાળે 21મીની રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાકમાં બેલ્ટ વડે ગળે ફાંસો ખાઈ જીવનનો ખંત આણ્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2022 Saurashtra Trust