અંતે ભૂકંપમાં જર્જરિત બનેલી ભુજની ઈમારત તોડવાનું શરૂ

અંતે ભૂકંપમાં જર્જરિત બનેલી  ભુજની ઈમારત તોડવાનું શરૂ
ભુજ, તા. 23 : વર્ષ 2001ના ભયાનક ભૂકંપમાં જર્જરિત અને જોખમી બનેલા ક્રિષ્ના પાર્કનું બાંધકામ તંત્ર દ્વારા અંતે તોડવાનું શરૂ કરાયું છે. પાટનગરમાં અનેક એપાર્ટમેન્ટ જોખમી રીતે ઊભા છે. ત્યારે સરપટ નાકા બહાર નાગનાથ મંદિરની સામે જર્જરિત સ્થિતિમાં ઊભેલા ક્રિષ્ના પાર્કના બાંધકામ તોડવાની લોકમાગણી અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા ફ્લેટ અને દુકાનધારકોને નોટિસ આપ્યા પછી આખું બિલ્ડિંગ ખાલી થઈ જતાં તેને તોડવાની કામગીરી સોમવારે શરૂ કરી દેવામાં આવી છે. અતિજોખમી બનેલા એપાર્ટમેન્ટમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારોને કોઈ પણ જાતની સરકાર તરફથી સહાય ન મળતાં આ રહેવાસીઓની હાલત કફોડી બની છે. એક બાજુ જીવન બચત મૂડી ઘર ખરીદવામાં લગાવ્યા પછી અત્યારે ઘણા પરિવારો ભાડાના મકાનમાં રહે છે. આ બાબતે ફલેટ અને દુકાનધારકોએ તંત્ર સમક્ષ વળતરની માંગ કરી છે. 32 જેટલા ફલેટ અને આઠેક દુકાનો ગ્રાઉન્ડ + 3 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. સન-1195માં બંધાયેલા એપાર્ટમેન્ટને 2001ના ભયાનક ધરતીકંપમાં ખાસ નુકસાન થયું હતું, પણ રહેવાસીઓની માગણીને લઈને તેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું.

© 2022 Saurashtra Trust