નખત્રાણા તાલુકામાં ખરા ટાંકણે ખાતરની અછતથી ખેડૂતો અકળાયા

નખત્રાણા તાલુકામાં ખરા ટાંકણે  ખાતરની અછતથી ખેડૂતો અકળાયા
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 23 : શિયાળુ પાકની વાવણી થઇ ગઇ છે. કપાસ-એરંડા જેવા પાક બાળ અવસ્થામાં લહેરાઇ રહ્યા છે. છોડની વૃદ્ધિ માટે અત્યારે યુરિયા ખાતરની જરૂરત છે ત્યારે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ખાતર માટે કતાર મંડળીઓ પાસે જોવા મળી રહી છે. એટલું જ નહીં જ્યાં 10 ગૂણીની જરૂરત છે ત્યાં બે જ ગૂણી ખાતરની મળતા ખેડૂતોમાં નારાજગી ફેલાયેલી જોવા મળી રહી છે. નખત્રાણાની  તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.માં નખત્રાણા તાલુકાના 300થી વધારે ખેડૂતો ખાતર માટે વહેલી સવારના છ વાગ્યે પહોંચી આવ્યા હતા. આમ તો છત હોય ત્યારે 7-12ના આધારે ખાતર મળતું પણ છેલ્લા ઘણા સમયથી ખાતરની અછત સર્જાતા નખત્રાણા, વંગ, વિરાણી, ચરાખડા, ખારડિયા,?ખોંભડી જેવા ગામોના 300 જેટલા ખેડૂતો નખત્રાણા સહકારી મંડળીમાં ખાતરની ગાડી આવવાની હોવાથી સવારના 6 વાગ્યા પહેલાં લાઇનમાં ઊભા રહી ગયા હતા. ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે, વહેલી સવારે ખાતર માટે કતારમાં ઊભવું પડે છે અને પહેલા 7-12 જેના હોય તેની ચોપડીના આધારે યુરિયા ખાતર મળતું પણ છેલ્લા કેટલા સમયથી જ યુરિયા ખાતર ખેડૂતોની ખરા ટાંકણે અછત સર્જાતા પાકને નુકસાનીનો ખતરો મંડરાઇ રહ્યો છે. નખત્રાણા સહકારી મંડળીના મેનેજર દીક્ષિત વોરા તથા વિનોદ જોષીનો રૂબરૂ સંપર્ક કરતા તેઓએ બે ગાડી યુરિયાની આવી જેમાં આધારકાર્ડ એક દીઠ બે ગૂણ આપવામાં આવી છે. ગામડામાં પાંચ દિવસે જ્યાં મંડળી છે ત્યાં ખાતરની ગાડી જાય છે. અછત કેમ થઇ ટાણા માથે એવું પૂછતાં અધિકારીઓએ ટ્રાન્સપોર્ટરને ભાડા ઓછા મળતાં હોવાથી ગાડીઓ ઓછી આવે છે. કંપનીઓ પાસે ખાતરની કોઇ કમી નથી. આજે 1000 ગૂણી આવી હતી, જેમાં 400થી વધુ ખેડૂતોને આધારકાર્ડ દીઠ બે ગૂણી અપાઇ હતી. અમુક ખેડૂતોએ એવો સૂર વ્યકત કર્યો હતો કે, ટ્રાન્સપોર્ટવાળા એકને જ ટેન્ડર મળેલ છે. જો વધારે ગાડીઓ ખાતરની આવે તો અછત ન થાય.

© 2022 Saurashtra Trust