ગાંધીધામ સંકુલમાં લૂંટારુઓ બન્યા બેફામ

ગાંધીધામ, તા. 23 : શહેરનાં મધ્યમવર્ગીય એવા શકિતનગર વિસ્તારમાં ઘરમાં એકલા રહેલા વૃધ્ધના મકાનમાં ચાર લૂંટારૂ ઘુસી આવ્યા હતા. આ શખ્સોએ વૃધ્ધ ઉપર છરી વડે હુમલો કરી તેમના ઘરમાંથી રોકડ રકમ, સિક્કા, મોબાઈલ મળીને કુલ રૂા. 30,000ની મતાની લૂંટ કરી નાસી ગયા હતા. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. શહેરની મુખ્ય બજારમાં ઉત્તમ કલોધીન સ્ટોર નામની દુકાન ચલાવતા ફરિયાદી તારાચંદ આલુમલ લખવાણી આ લૂંટનો ભોગ બન્યા હતા. ગાયત્રી મંદિર રોડ શક્તિનગર મકાન નંબર 447માં એકલા રહેતા આ વૃધ્ધ ગઈકાલે રાત્રે દુકાનેથી પોતાના ઘરે આવ્યા હતા અને જમી પરવારી દરવાજાને અંદરથી બંધ કરી ટીવી જોઈ રહ્યા હતા તેવામાં રાત્રે 9-30ના અરસામાં ચાર લૂંટારૂ શખ્સોએ બળ વાપરીને તેમના ઘરનો દરવાજો ખોલી લઈ અંદર ઘુસી આવ્યા હતા. 25થી 30 વર્ષિય આ લૂંટારૂઓ પૈકી એક શખ્સ પાસે ધારદાર હથિયાર હતું. આ શખ્સોએ ફરિયાદીને જે પણ હોય તે આપી દેવા કહ્યું હતું નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં તેમને માર માર્યો હતો. ફરિયાદીએ આ લૂંટારૂઓનો પ્રતિકાર કરતા એક શખ્સે છરી વડે હુમલો કરતા વૃધ્ધને પીઠ, હાથ અને માથામાં ઈજાઓ પહોંચી હતી. આ દરમ્યાન લૂંટારૂઓએ કબાટના તાળા તોડી તેમાં રહેલ રોકડ રૂા. 20,000, ચાંદીના 12 સિક્કા અને એક મોબાઈલ એમ કુલ રૂા. 30,000ની મતાની લૂંટ કરી હતી. ફરિયાદી વૃધ્ધે આ શખ્સોને રોકવાની કોશિષ કરતા તેમને ધક્કા આપીને આ લૂંટારૂઓ નાસી છુટયા હતા. લોહી નિકળતી હાલતમાં ફરિયાદી બહાર આવી કોઈના ફોનથી પોતાના દિકરાને બનાવની જાણ કરતા તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી લૂંટારૂઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધમધમતા વિસ્તારમાં ઘરના દરવાજા તોડી છરી વડે હુમલો કરી લૂંટના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પૂર્વ કચ્છમાં લૂંટારૂઓ, તસ્કરો બેફામ બનયા હોવાનું ચિત્ર ઉપસીને બહાર આવ્યું છે.

© 2022 Saurashtra Trust