પડાણા નજીક તોતિંગ વાહનની હડફેટે ચડતાં છકડામાં સવાર બે બાળકનાં મોત

પડાણા નજીક તોતિંગ વાહનની હડફેટે ચડતાં છકડામાં સવાર બે બાળકનાં મોત
ગાંધીધામ, તા. 22 : તાલુકાના પડાણા નજીક અજમેરી હોટેલની સામે આજે રાત્રે આગળ જતા છકડાને પાછળથી કોઇ તોતીંગ વાહને હડફેટમાં લેતા બે માસૂમ બાળકોના મોત?થયા હતા, તો અન્ય પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ જીવલેણ બનાવ અંગે મળતી વિગતો મુજબ પડાણા નજીક અજમેરી હોટેલની સામે આજે રાત્રે 8.45ના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મોરબીના લોકો માતાના મઢે દર્શને આવ્યા હતા અને  દર્શન કરીને પરત મોરબી જઇ રહ્યાં હોવાનું અનુમાન પોલીસ સૂત્રોએ વ્યકત કર્યો હતો. આગળ જતાં માલવાહક છકડા નંબર જી.જે. 36 8056ને પાછળથી માતેલા સાંઢની માફક આવતા તોતિંગ વાહને હડફેટમાં લીધો હતો, જેમાં માલવાહક છકડામાં સવાર 12 વર્ષિય તથા 8 વર્ષિય બે બાળકોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય પાંચ લોકોને  પણ ઇજાઓ થઇ હતી. આ બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ ત્યાં દોડી આવી હતી અને ગંભીર રીતે ઘવાયેલા બે બાળકોને રામબાગ હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે આ બંને બાળકોને  મૃત જાહેર કર્યા હતા.આ બનાવમાં  ઘવાયેલા આ અન્ય પાંચ વ્યકિતઓને  સારવાર અર્થે અન્યત્ર લઇ જવાયા હતા. તેમની સારવાર ચાલુ હોવાથી વધુ વિગત પ્રાપ્ત ન થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકોના મોતથી ભારે અરેરાટી પ્રસરી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust