ભુજની ભાગોળે રોગચાળાનું ઘર

ભુજની ભાગોળે રોગચાળાનું ઘર
ભુજ, તા. 22 : શહેરના 18 મીટરના રિંગરોડ થકી જ્યાં આબાદી અને ધંધા-રોજગાર વિકસ્યા છે તેવા એરપોર્ટ રિંગરોડને જોડતા અને પાટવાડી નાકેથી હમીરસરના ઓગન પાણી સમાંતર ઠેઠ ખારી નદી માર્ગ તરફ જતા માર્ગ પર ભરાયેલાં વરસાદી પાણીમાં હવે ગટરનાં પાણી પણ જોડાતાં સંભવત: આખેઆખાં ભુજને આ પશ્ચિમી ખૂણેથી રોગચાળાની ભેટ મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ઓછામાં ઓછા 15થી 25 હજાર જણ આ વિસ્તારમાં વસવાટ કરતા હોવાથી ભારે ચિંતા પેઠી છે. આ વિસ્તારની અનેકવિધ સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીરૂપી દબાણો અને નવી વિકસેલી વસાહતોના નાગરિકોના આક્ષેપ અનુસાર મહત્ત્વના એવા 18 મીટર રિંગરોડથી ફંટાઇને જતા 9 મીટરના રિંગરોડ પર આવેલી બકાલી કોલોનીથી સીધા રાવલવાડીને તથા સિદ્ધાર્થ પાર્કને જોડતા માર્ગ પર એકત્ર થયેલું પાણી હવે રોગચાળાનું નવું એપી સેન્ટર બને તેવી દહેશત છે. આ વિસ્તારમાં રિંગરોડ થકી રસ્તા ઊંચા થઇ જતાં પરંપરાગત વરસાદી પાણીના વહેણ ખૂબ જ ગંભીર રીતે અવરોધાયા છે. ત્યાં અમુક દબાણોએ વળી વહેણની દશા-દિશા બદલતાં તાજેતરના ભારે વરસાદ વખતે જોશભેર વહેતાં થયેલાં પાણી જોખમ ન સર્જે તે માટે અમુક સ્થળોએથી વહેણ બંધ કરાયા અને હવે એ બંધ થયેલાં વહેતાં પાણીના વહેણામાં ગટરનાં પાણી પણ જોડાતાં અતિશય દુર્ગંધ સાથે માખી-મચ્છરોનો તથા રાત્રે ઝીણી ઝીણી કાળી જીવાતનો ઉપદ્રવ એટલી હદે વધી ગયો છે કે સ્થાનિકે આવેલા દવાખાનાં પર રાત્રે નવ વાગ્યા સુધી દર્દીઓની લાઇનો લાગે છે. આ ગંદા-દુર્ગંધ મારતા, માખી-મચ્છર અને પોરાવાળા ચીકણા પાણીએ હવે લીલો રંગ ધારણ કર્યો છે અને રખડતા કૂતરા પણ તેમાં દોડતા બંધ થઇ ગયા છે. ઝેરી સ્વરૂપ ધરતા આ રુંધાયેલાં પાણી અંગે સુધરાઇમાં કરેલી તમામ રજૂઆતો નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ કરતાં અમુક નિવૃત્ત સરકારી કર્મચારીઓએ નાગરિક હક્ક અને અધિકારના મુદ્દે આ સ્થળની સફાઇ અર્થે અદાલતના દ્વાર ખખડાવવા સુધીની તૈયારી કરી છે. અત્યંત ગરીબ અને નાનો વર્ગ અહીં વસતો હોવાથી ગંદકીનું પ્રમાણ આમેય  ઊંચું રહે છે તેમાં હવે આ પાણીએ મોટી સમસ્યા સર્જી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust