યુવા શક્તિની પ્રતિભા ખીલવવાનો મંચ એટલે યુવક મહોત્સવ

યુવા શક્તિની પ્રતિભા ખીલવવાનો મંચ એટલે યુવક મહોત્સવ
ભુજ, તા. 22 : યુવક મહોત્સવ જેવા આયોજનો થકી દેશનું ભાવિ જેમના હાથમાં છે એવી યુવા પેઢીને પોતાની પ્રતિભા દેખાડવાનો મંચ મળે છે ત્યારે આવાં આયોજનોમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનામાં રહેલી કલાના દર્શન કરાવવા જોઈએ તેવું કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત 17મા યુવક મહોત્સવના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું.  કોરોનાકાળના બે વર્ષ બાદ આયોજિત બે દિવસીય યુવક મહોત્સવને લઇ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કુલપતિ ડોક્ટર જયરાજાસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં જાણીતા અભિનેત્રી સુજાતા મહેતા અને ડ્રામા આર્ટિસ્ટ અને ડાયરેક્ટર લતેશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધાડ, ચિત્કાર, પ્રતિઘાત, ગુનાહ જેવી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં તેમજ ટીવી સિરિયલમાં અભિનયના ઓજસ પાથરનાર સુજાતા મહેતાએ યુવક મહોત્સવમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને પોતાની સંઘર્ષ ગાથા રજૂ કરી પોતે આ ક્ષેત્રમાં કઈ રીતે સફળ થયાં તેનું વિગતે વર્ણન કર્યું હતું. ફિલ્મોમાં નકારાત્મક અને સકારાત્મક તેમજ મુખ્ય અને સહાયક અભિનેત્રી તરીકે કામ કરનાર સુજાતાબેને કહ્યું કે, સફળતા મેળવવા માટે હંમેશાં સખત મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. કચ્છ યુનિવર્સિટીને આ મહત્ત્વના આયોજન બદલ શુભેચ્છા પાઠવી યુવક મહોત્સવ એ કલા સાધનાને સાકાર કરવા માટેનો મંચ બનતો હોવાનું જણાવી કલાની ઉપાસના માટે સખત પરિશ્રમ કરવાની શીખ  સુજાતાબેન દ્વારા આપવામાં આવી હતી. તેમને પોતાના સ્વઅનુભવ મારફત યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ યુવાનોને ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા માટેની ગુરુ ચાવી આપી હતી.જિતેન્દ્ર, નાના પાટેકર જેવા અભિનેતાઓ સાથે કામ કરી ચૂકેલાં સુજાતાબેને ફિલ્મ, ટીવી સિરિયલ અને નાટકમાં કામ કરવાનો અનુભવ અલગ અલગ હોય છે, તેને કઈ રીતે તેમણે બખૂબી નિભાવ્યું તેની વિગતે વાત કરી હતી. ઉપસ્થિત અન્ય મુખ્ય અતિથિ મૂળ કચ્છના લતેશભાઇ શાહે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે કલાના ક્ષેત્રમાં વિકાસની અનેક તકો રહેલી છે. યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળે તો યુવાનો આ ક્ષેત્રમાં સફળતાના અનેક શિખરો સર કરી શકે તેમ છે, આ માટે તેમણે પોતે બનતો સહયોગ આપશે તેવી તત્પરતા દર્શાવી હતી. યુનિવર્સિટી સ્તરે થતા આવાં આયોજનો યુવાનો માટે સફળતા મેળવવા માટેનું પ્રથમ પગથિયું બનતું હોવાનું જણાવી યુવાનોને તેમાં રસપૂર્વક જોડાવા અપીલ કરી હતી.  કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જયરાજાસિંહ જાડેજાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં 17મા યુવક મહોત્સવમાં યુનિવર્સિટી સાથે જોડાયેલી 42 કોલેજના છાત્રો ભાગ લઇ રહ્યા છે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કચ્છનું નામ આ યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકાવે તેવી અભિલાષા દેખાડી યુવાનોને પોતાનામાં રહેલી શક્તિઓને ખીલવવા માટે થનગનાટ સાથે તમામ સ્પર્ધાઓમાં ભાગ લઈ કલા કૌશલ્યને બહાર લાવવા અનુરોધ કર્યો હતો. યુવા શક્તિને આવો મંચ પૂરો પાડવા યુનિવર્સિટી કટિબદ્ધ રહી છે અને રહેશે તેવો વિશ્વાસ દેખાડ્યો હતો. કુલ સચિવ ડો. જી. એમ. બુટાણીએ આયોજનની રૂપરેખા આપી ભાગ લેનાર સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી. યુવક મહોત્સવના સંયોજક ડો. આર. વી. બસિયાએ બે દિવસના આ આયોજનમાં 42 કોલેજના 1100થી વધૂ યુવાનો સંગીત, નૃત્ય, નાટ્ય, સાહિત્ય અને ચિત્ર કલાની વિવિઘ 26 સ્પર્ધામાં ભાગ લેશે. યુવક મહોત્સવનું સમાપન શુક્રવારે સાંજે થશે. વિજેતા ટીમ ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામા ભાગ લેવા જશે. ઉદ્ઘાટન પૂર્વે સવારે ચંગલેશ્વર મંદિરેથી માર્ચ પાસ્ટનું આયોજન કરાયુ હતું. પાઈપ બેન્ડની સૂરાવલિ સાથે યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ કોલેજના છાત્રોએ અલગ -અલગ થીમ સાથે માર્ચ પાસ્ટમાં જોડાઈ મિનિ કાર્નિવલ જેવો માહોલ સર્જ્યો હતો. કચ્છની ખાસિયત રજૂ કરતી થીમે આકર્ષણ સર્જ્યું હતું. યુવક મહોત્સવના બે દિવસીય અયોજનને સફળ બનવા માટે વિવિઘ ટીમો બનાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વરસના યુવક મહોત્સવને સંસ્કૃતિ પર્વનું નામ આપવામાં આવ્યું છે.   વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust