ભારતમાં પાંચ લાખ લોકોને અંગદાનની પ્રતીક્ષા

ભારતમાં પાંચ લાખ લોકોને અંગદાનની પ્રતીક્ષા
ભુજ, તા. 22 : કચ્છની 400 આહીર દીકરીઓને ધો. 9થી 12 સામાન્ય પ્રવાહના અભ્યાસ સાથે આવાસ સેવા પૂરી પાડતા ભુજોડીના આહીર કન્યા છાત્રાલયમાં છાત્રાઓ અને વાલીઓથી ભરચક વિશાળ ખંડમાં `અંગદાન મહાદાન'ની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. દિલીપભાઇ દેશમુખે અંગદાનને માનવસેવા ગણાવી કહ્યું કે, માન્યતા કરતાં માનવતા મોટું કાર્ય છે. ભારતમાં પાંચ લાખ લોકો અંગદાનની પ્રતિક્ષામાં છે. અમેરિકા, યુકે, સ્વીડનમાં મિલીયન દીઠ 40ના દર સામે ભારતમાં માત્ર 0.8 દર છે. દરેક જણ અંગદાન ન કરી શકે. ખાસ તો અકસ્માત કે અન્ય કારણોસર બ્રેઇન ડેડ જાહેર થનારી વ્યક્તિના કિડની, ફેફસા, લીવર, હૃદયનું જરૂરતમંદમાં પ્રત્યારોપણ કરી શકાય. આમ એક વ્યક્તિનું મૃત્યુ થાય તેના અંગો બીજા પાંચ વ્યક્તિના શરીરમાં જીવતા રહે છે. છાત્રાલયના પ્રમુખ બાબુભાઇ ભીમાભાઇ હુંબલે છાત્રાઓને જણાવ્યું કે, બધા અંગદાન ન કરી શકે. સંકલ્પપત્ર તમારી ઇચ્છા હોય તો જ, વાલીની સંમતી હોય તો જ ભરવું, ડરતા નહીં, માત્ર જાગૃતિ માટે માહિતી અપાઇ છે. મૃત્યુ થઇ જાય પછી અંગ કામ ન આવે. કચ્છમાં આંખનું દાન થાય છે. મંત્રી શિવજીભાઇ આહીરે અંગદાન એ માણસ માણસને ઉપયોગી બને તેવી ગંગાના પ્રવાહ જેવી સેવા હોવાનું જણાવી આહીર સમાજને વધુને વધુ અંગદાન થાય તે માટે અપીલ કરી હતી. ઉપપ્રમુખ રાણાભાઇ રવાભાઇ ડાંગર (ધાણેટી), ટ્રસ્ટી રણછોડભાઇ ગોપાલ ડાંગર (નાડાપા), મહિલા પ્રતિનિધિ ડાયેટના પૂર્વ સિનિયર લેક્ચરર જ્યોતિબેન સોરઠિયા, અગ્રણીઓ હમીરભાઇ ડાંગર, જીવાભાઇ આહીર, બાબુભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સિપાલ ડો. જયાબેન મહેરિયાએ સંસ્થા અને અંગદાન વિશે જણાવ્યું હતું. પૂર્વ છાત્રા ગાયિકા ચંદ્રિકાબેન આહીરે ગીત રજૂ કર્યું હતું. છાત્રાઓએ ગણેશ વંદના અને રાસની રમઝટ જમાવી હતી. સંચાલન છાત્રા લક્ષ્મીબેને અને આભારવિધિ શિક્ષિકા મનીષાબેન જોષી (વ્યાસ)એ કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust