મંત્રણા પડી ભાંગતા આરોગ્ય કર્મચારીઓનું અહિંસક આંદોલન 46મા દિવસે યથાવત

મંત્રણા પડી ભાંગતા આરોગ્ય કર્મચારીઓનું અહિંસક આંદોલન 46મા દિવસે યથાવત
ભુજ, તા. 22 : રાજ્ય સરકાર સાથે 18 બેઠક બાદ મંત્રણા પડી ભાંગતા આરોગ્ય કર્મચારીઓનું આહિંસક આંદોલન આજે 46મા દિવસે યથાવત રહ્યું હતું. કોરોના સમયે રાત દિવસ જોયા વગર કપરા સમયમાં સેવા બજાવી છે તેવા આરોગ્યના કર્મચારીઓ પોતાના હક માટે 46 દિવસથી લડત ચલાવી રહ્યા છે, કોવિડ રસીકરણ વખતે ગુજરાત રાજ્યને પ્રથમ હરોળનો દરજ્જો અપાવનારા આ કર્મચારીઓએ ગ્રેડ પેની મુખ્ય માગણીને લઈને સરકાર સાથે 18 જેટલી મિટિંગ કરી હોવા છતાં પગાર વિસંગતતા બાબતે સહમતી ન સધાતાં નાછૂટકે  ગાંધી ચીંધ્યા માર્ગે ભૂખ હડતાલનો સહારો લેવો પડ્યો છે એવું ગુજરાત રાજ્ય આરોગ્ય  મહાસંઘના પ્રમુખ રણજિતાસિંહ મોરી અને મહામંત્રી આશિષકુમાર બ્રહ્મભટ્ટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું. સોમવારે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીના પ્રશ્ન બાબતે મહાસંઘ સાથે માટિંગ કરી હતી જેમાં લાંબી વાટાઘાટો બાદ ત્રણમાંથી બે માગણીઓ બાબતે બંને પક્ષ સહમત થયા હતા. સરકાર દ્વારા કોરોનાના સમયમાં જાહેર રજાના દિવસો અને રવિવારે બજાવલી ફરજનો 130 દિવસનો પગાર ઉપરાંત 15000 રૂપિયા કોરોના વોરિયર્સ તરીકે સન્માનરૂપે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજી માગણી કિલોમીટરની મર્યાદા દૂર કરીને તમામ ફિલ્ડના કર્મચારીઓને કાયમી મુસાફરી ભથ્થું આપવા પણ સરકારે તૈયારી દર્શાવી હતી. પરંતુ ચૂંટણી પહેલા ખૂબ જ ટૂંકા ગાળામાં ગ્રેડ પે મંજૂર કરવું ખૂબ જ મુશ્કેલ હોઇ તેની અવેજીમાં સરકારે આરોગ્ય કર્મચારીઓને દર મહિને 3,500 રૂપિયા કોરોના વોરિયર્સ ભથ્થું આપવાની તૈયારી દર્શાવી હતી જ્યારે સામા પક્ષે આરોગ્ય મહાસંઘે 6000 રૂપિયા માસિક ભથ્થું આપવાની માગણી કરતા મંત્રણા પડી ભાંગી હતી. સરકાર સાથે મંત્રણા પડી ભાંગતા મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની ટેકનિકલમાં ગણતરી કરી ગ્રેડ પે આપવામાં આવે એવી માંગ સાથે ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને છેલ્લા બે દિવસથી રાજ્યના હજારો આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે પોતાના નાના બાળકો અને મહિલાઓ સાથે ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે જ્યારે શુક્રવારે મહારેલી અને સચિવાલય સામે ધરણાનું આયોજન કરાયું છે. કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયાની આગેવાની હેઠળ કચ્છમાંથી 500થી વધુ કર્મચારીઓ જોડાયા હોવાનું  મંડળના મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલાએ આપી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust