અત્યારે બોલીવૂડમાં ઊથલપાથલ થઈ રહી છે

અત્યારે બોલીવૂડમાં ઊથલપાથલ થઈ રહી છે
ભુજ, તા. 22 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી આયોજિત 17મા યુવક મહોત્સવ : સંસ્કૃતિ પર્વ-2022ના ઉદ્ઘાટક અને અતિથિવિશેષ તરીકે ભુજ આવેલાં જાણીતા થિયેટર અને ફિલ્મ અભિનેત્રી સુજાતા મહેતા અને નાટય દિગ્દર્શક, લેખક લતેશ શાહે કચ્છમિત્ર સાથે દિલ ખોલીને વાત કરતાં કહ્યું કે, કચ્છમાં નાટય અને ફિલ્મક્ષેત્રે બહુ જ વિકાસની સંભાવના છે. સુજાતા મહેતાએ અત્યારે ફિલ્મજગત પર પ્રકાશ પાડતાં કહ્યું કે, ત્યાં ઘણી ઉથલપાથલ થઈ રહી છે. ખાસ તો કોરોના પછીના કાળમાં ફિલ્મોનાં પ્રદર્શનમાં એવું કહી શકાય કે, એ નવસર્જનનો તબક્કો છે. નવા વિષય માટે તકો ઊભી થઈ છે. જોકે બોયકોટ ટ્રેન્ડ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, એ પણ ઉથલપાથલનો જ એક ભાગ છે. સુજાતા મહેતાએ સાથે એવુંય કહ્યું કે, અત્યારે બોલીવૂડમાં ગ્રુપિઝમ ઘણું વધી ગયું છે. કેટલાક ચોક્કસ કેમ્પમાં વહેંચાઈ જવાનાં કારણે ઘણા પ્રતિભાશાળી લોકોને ઓછું કામ પણ મળે છે. તો ઘણા દિગ્ગજ કલાકારો પ્રવૃત્તિશીલ નથી રહ્યા. ઓટીટી પ્લેટફોર્મનાં આગમનને કારણે બોલીવૂડને ફાયદો થશે કે નુકસાન એવા સવાલનો પ્રત્યુત્તર પાઠવતાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે, એ બધું થાય છે એ સારી વાત છે. તેનાં કારણે સારા વિષયોને, કલાકારોને ન્યાય મળવા માંડયો છે. તેમણે `છેલ્લા શો'ની વાત કરતાં કહ્યું કે, પાન નલિનની આ ફિલ્મ બતાવે છે કે, લોકોને હવે નવા વિષય ગમવા માંડયા છે અને એવી જ એપિક ફિલ્મો ચાલશે. મુલાકાત વખતે ત્યાં સાથે રહેલા જાણીતા દિગ્દર્શક લતેશ શાહે ગુજરાતમાં નાટયપ્રવૃત્તિ વિશે કહ્યું હતું કે, અહીં કલાકારોને ઓછું વેતન મળતું હોવાથી અને નફાનો ગાળો મર્યાદિત રહેવાને લીધે જોઈએ તેટલું નાટયજગત સક્રિય નથી રહ્યં આ બંને દિગ્ગજ કલાકારોએ યુનિવર્સિટીની વિશાળતા જોયા પછીનો મત વ્યક્ત કરતાં કહ્યંy કે, ત્યાં હજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઘણી તકો રહેલી છે. આ યુનિવર્સિટીમાં પત્રકારત્વ, નાટયશાત્રના અભ્યાસક્રમો ચલાવાય તો કચ્છની યુવાપેઢીને ઘણો મોટો લાભ મળી શકે એમ પણ છે. સુજાતા મહેતા અને લતેશ શાહે આ ટાંકણે કચ્છમિત્ર ભવનની લીધેલી મુલાકાતને યાદ કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust