માતાના મઢના પદયાત્રીઓ માટેના સૌથી જૂના મોટી વિરાણી ફાટક કેમ્પનો શુભારંભ

માતાના મઢના પદયાત્રીઓ માટેના સૌથી જૂના મોટી વિરાણી ફાટક કેમ્પનો શુભારંભ
નખત્રાણા, તા. 22 : દેશદેવી મા આશાપુરાના માતાના મઢ ભણી પદયાત્રા કરતા ભાવિકો માટે સતત 39મા વર્ષે સંપૂર્ણ ઉપયોગી થવાની ઉમદા ભાવના સાથે મોટી વિરાણી ફાટક પાસે સૌથી જૂના એવા સેવા કેમ્પનો આજથી શુભારંભ થયો. મોટી વિરાણી કેમ્પના નામે જાણીતા આ સ્વ. રાજેશ ઠક્કર આશાપુરા પદયાત્રી સેવા કેમ્પમાં ભાવિકો માટે 24 કલાકની સુવિધા આપતાં વોટરપ્રૂફ ડોમ ઊભો કરાયો છે. મોટી વિરાણીના સ્વ. મંગલદાસ રામદાસ ઠક્કર પ્રેરિત આ પદયાત્રી કેમ્પની સેવાઓને 39 વર્ષ થવા જઇ રહ્યા છે. અહીં એક હજારથી વધુ પદયાત્રીઓ માટે 24 કલાક અવિરત ભોજન, ચા, પાણી, આરામ અને આરોગ્ય વિષયક સેવા પૂરી પડાશે. કેમ્પ સંચાલન મીનાબેન મંગલદાસ રતુઆણી, અરુણાબેન વાસુદેવભાઇ ઠક્કર, મીતાબેન જયેશ સચદે, આરતીબેન નિશાંત ઠક્કર સહિતના  દાતા પરિવાર ઉપરાંત નામી-અનામી સ્વયંસેવકો કાર્યરત છે. દતા પરિવાર-સ્વયંસેવકો અને પદયાત્રીઓની હાજરીમાં શાત્રી વિનુભાઇ?પ્રતાપશંકર જોશીએ આરતી પૂજન સાથે કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો અને સદ્ગત મંગલકાકા અને સહયોગી રહેલા સ્વ. વાસુદેવભાઇ ઠક્કરની સેવાઓ બિરદાવી આ પરંપરા જાળવી રાખવા બદલ સરાહના કરાઇ?હતી. આ પ્રસંગે કેમ્પ સંચાલક પરિવારના મોવડી જયેશભાઇ સચદે (બાપાદયાળુ)એ મા આશાપુરા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવિકોની પદયાત્રાનું સેવારૂપી ઋણ ચૂકવવાની પરિવારને  તક મળી રહી છે તેવું કહેતાં ઉમેર્યું હતું કે, કેમ્પમાં રાત-દિવસ નિ:સ્વાર્થભાવે સેવા આપતા ભાવિકો થકી જ આ કેમ્પને લોકપ્રિયતા મળી છે. અહીં રસોડામાં  આસપાસના ગામોની બહેનો સેવા આપી રહી છે. કેમ્પ 27/9 સુધી ચાલુ રહેશે. જેમાં મોટી વિરાણી, નખત્રાણા, રસલિયા અને ભુજ સહિતના  ભાવિક શ્રદ્ધાળુઓ સેવાયજ્ઞમાં સહયોગી બની રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust