કચ્છનાં ખનિજ ક્ષેત્રે ચાઇના ક્લે પર સંશોધન મહત્ત્વનું સાબિત થશે

કચ્છનાં ખનિજ ક્ષેત્રે ચાઇના ક્લે પર સંશોધન મહત્ત્વનું સાબિત થશે
ભુજ, તા. 22 : તુર્કીના ઇસ્તંબુલમાં થયેલ ઇન્ટરનેશનલ ક્લે કોન્ફરન્સમાં કચ્છ યુનિવર્સિટીના જિયોલોજીમાં પીએચડી કરતા વિદ્યાર્થીએ સંશોધન પત્ર રજૂ કર્યું. કચ્છ યુનિવર્સિટીમાં અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગમાં જિયોલોજી વિષય પર કચ્છની જ કેઓલીન ક્લે એટલે કે, ચાઇના ક્લે પર પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી જયમીત મનોજભાઇ સોલંકી દ્વારા ઇસ્તંબુલ તુર્કી ખાતેની 17મી ઇન્ટરનેશનલ ક્લે કોન્ફરન્સમાં કચ્છ ચાઇના ક્લે પરનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું. આ કોન્ફરન્સ દુનિયામાં  વિવિધ પ્રકારની ક્લે પર અભ્યાસ કરતાં સંશોધકો માટે ખૂબજ અગત્યની હોય છે અને દુનિયામાં ક્લે પર સંશોધનની સૌથી મોટી અને મહત્ત્વની હોય છે જે દર ચાર વર્ષે યોજાતી હોય છે. કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી કુલ 350 સંશોધન પત્ર રજૂ થયા જે પૈકી ભારતમાંથી પાંચ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતભરમાંથી જયમીતનો સમાવેશ થયો હતો.જયમીત સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આખા કચ્છમાં કેટલા પ્રકારની ચાઇના ક્લે મળે છે એનું મિનેરોલોજી અને જિયોકેમેસ્ટ્રીનું વિશ્લેષણ કરી તથા ચાઇના ક્લેના બનવાનું ભૂસ્તરશાત્રીય કારણ અને એના વધુને વધુ વિવિધ ઉપયોગો વિશે સંશોધન પત્ર રજૂ કર્યું હતું. ડો. ગૌરવ ચૌહાણે કહ્યું કે, કચ્છના ખનિજ ક્ષેત્રે આ એક મહત્ત્વનું સંશોધન સાબિત થશે. વિશ્વના વિવિધ ક્લેની સરખામણીએ કચ્છની ચાઇના ક્લે ખૂબ સારા ગુણ ધરાવે છે. ભૂસ્તરશાત્રી વિભાગના હેડ?ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર મહેશ ઠક્કરે જણાવ્યું કે, આ સંશોધન આધુનિકતાની પરિપેક્ષમાં ખૂબ જરૂરી છે. કચ્છમાં બીજા પણ ઘણા ખનિજો ઉપર સંશોધન કરવાની ખૂબ આવશ્યકતા છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, ફૂલસાચી જયમીત સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust