પીએફઆઈ સામે 13 રાજ્યમાં દરોડા; 106ની ધરપકડ

નવી દિલ્હી, તા. 22 :દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે અત્યાર સુધીની સૈથી મોટી કાર્યવાહીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગઈ રાતથી 13 રાજ્યના સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડીને સંગઠનના પ્રમુખ ઓમા સાલમ સહિત કમ સે કમ 106 જણની ધરપકડ કરી છે. એનઆઈએ ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક ,આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, આસામ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, પુડુચેરી અને રાજસ્થાનમાં પીએફઆઈના સંદિગ્ધ અડ્ડાઓ પર ત્રાટકી હતી, જેમાં ત્રાસવાદ સાથેની કડીઓ અને આતંકી ભંડોળની બાબતો પણ ઉજાગર થઈ હતી. મહારાષ્ટ્રમાં આતંકવાદ વિરોધી ટીમ (એટીએસ) પણ દરોડામાં જોડાઈ હતી અને પીએફઆઈના 20 સભ્યને ઝડપી લીધા હતા. આ દરમ્યાન, ગૃહ મંત્રાલયમાં ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ, ગૃહ સચિન અજય ભલ્લા સહિતના ટોચના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી. બીજી બાજુ પીએફઆઈના સભ્યોએ દરોડાના વિરોધમાં કેરળ, આંધ્ર સહિત કેટલાક રાજ્યમાં દેખાવો કર્યા હતા.એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ કેરળમાં 22, કર્ણાટકમાં 20, તામિલનાડુમાં 10, આસામમાં 9, યુપીમાં 8 જણની ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અત્યાર સુધીની તપાસ અને દરોડાની સૈથી મોટી કાર્યવાહી છે. દરોડામાં ઈડી અને રાજ્યોની પોલીસ પણ જોડાઈ હતી.એનઆઈએને એવી બાતમી મળી હતી કે, પીએફઆઈ અનેક રાજ્યોમાં મોટા પાયે તાલીમ કેમ્પો કરી રહી છે, જેમાં શત્રોની તાલીમની સાથે યુવાઓનું બ્રેઈન વોશ કરાય છે. ખાસ કરીને કેરળ, કર્ણાટક, તામિલ નાડુ અને હૈદરાબાદમાં આતંકી ગતિવિધિઓ માટે નાણાં એકત્ર કરવાનો ગંભીર મુદ્દો પણ સપાટીએ આવ્યો હતો.મીડિયા અહેવાલો મુજબ, પીએફઆઈએ પોતાના અડધો ડઝન જેટલા સંગઠનો સાથે પ્લાન-બી પણ તૈયાર રાખ્યો હતો. પીએફઆઈ મારફત બિહારના ફૂલવારી શરીફમાં ગજવા એ હિન્દ ઊભું કરવાનો કારસો હતો.  દરમ્યાન, એનઆઈએ અને ઈડીના દરોડા સામે કેરળના મલ્લપુરમ, તામિલનાડુના ચેન્નાઈ, કર્ણાટકના મેંગ્લોર સહિતના શહેરોમાં પીએફઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેખાવો કર્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust