-તો ગેહલોતે મુખ્યમંત્રીપદ છોડવું પડશે

નવીદિલ્હી, તા.22: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે આજે પક્ષના મહાસચિવ મધુસૂદન મિત્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને કાર્યક્રમની ઘોષણા પણ કરી દીધી છે. બીજીબાજુ ભારત જોડો યાત્રામાં આજે કેરળ પહોંચેલા રાહુલ ગાંધીએ પક્ષનાં પ્રમુખસ્થાનની ચૂંટણી લડવાનો સાફ શબ્દોમાં ઈનકાર કરી દીધો છે. આ સાથે જ તેમણે અશોક ગહેલોતને પણ ઈશારામાં સંકેત આપી દીધો છે કે, જો તેમણે પક્ષનાં પ્રમુખપદે બિરાજમાન થવું હોય તો રાજસ્થાન મુખ્યમંત્રી પદ છોડવું પડશે. આમ કોંગ્રેસની આ આંતરિક ચૂંટણીમાં પણ રોજ નવા વળાંક આવી રહ્યા છે. અત્યાર સુધી આ ચૂંટણી ગહેલોત વિરુદ્ધ શશિ થરૂરની બની રહે તેવી સંભાવના જોવામાં આવતી હતી પણ હવે આમાં ઉમેદવાર અને દાવેદારોની સંખ્યા વધીને પાંચ-છ થઈ જવાની શક્યતા દેખાવા લાગી છે.કોંગ્રેસનાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર 17 ઓક્ટોબરે દેશની તમામ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણી આયોજિત થશે અને તેનાં પરિણામો 19મીએ જાહેર થશે. પક્ષમાં ચૂંટણી માટે ચાલી રહેલી આ માથાપચ્ચી વચ્ચે આજે રાહુલ ગાંધીએ અધ્યક્ષસ્થાન માટે ચૂંટણી નહીં લડવાની વાત કરીને કહ્યું હતું કે, આ માત્ર એક પદ નથી પણ વિચારધારા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની લડાઈ દેશના સંસ્થાગત ઢાંચાને પોતાના કબજામાં લઈ લેનાર મશીન સામે છે. આ સાથે જ તેમણે અશોક ગહેલોતને પણ ઝટકો આપતું નિવેદન કર્યું હતું.પક્ષના પ્રમુખપદની ચૂંટણી લડવા જઈ રહેલા ગહેલોત રાજસ્થાન મુખ્યમંત્રી પદ છોડવા માટે પણ ઈચ્છુક નથી. તે પક્ષની કમાન સંભાળવા સાથે રાજસ્થાનની સત્તા પણ પોતાના હાથમાં રાખવા માગે છે. જો કે રાહુલે એક વ્યક્તિ અને એક પદની વાત કરીને તેમને સાફ સંદેશ આપી દીધો છે કે, જો તેઓ અધ્યક્ષ બનશે તો તેમણે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડશે. રાહુલનાં આવાં અભિગમથી સચિન પાયલટનો સિંહાસન સુધીનો માર્ગ મોકળો થઈ શકે છે.  જોકે, એવા પણ અહેવાલ છે કે ગેહલોતે મુખ્યમંત્રીપદ છોડવું પડે તો સી.પી. જોશીને નવા સી.એમ. બનાવવાની ભલામણ કરી છે. કોંગ્રેસની આ ચૂંટણી ગહેલોત વિરુદ્ધ થરૂરની ટક્કર થવાની સંભાવના જોવામાં આવતી હતી પણ હવે આમાં પણ નવા ફણગાં ફૂટી રહ્યાં છે. હવે અનેક મુદ્દે ખૂલીને પક્ષ વિશે પોતાનો મત પ્રગટ કરનાર મનીશ તિવારીનાં નામની અટકળો પણ શરૂ થઈ છે. તો આવી જ રીતે મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ સંભળાવા લાગ્યું છે. આ ઉપરાંત દિગ્વિજય સિંહ પણ દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળવાના છે અને તેઓ પણ આ ચૂંટણી માટે પોતાની તાકાત લગાડે તેવા સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત કમલનાથ પણ પક્ષના અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં લડવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2023 Saurashtra Trust