આજે બીજી ટી-ર0 : બુમરાહને રમાડવાની માંગ

નાગપુર, તા. 22 : ટી-ર0 શ્રેણીના પહેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે શરમજનક પરાજય બાદ ભારતીય ટીમ તા. ર3 ને શુક્રવારે નાગપુર ખાતે બીજી મેચ રમવા ઉતરશે. જેમાં સ્ટાર બોલર બૂમરાહને ટીમમાં સામેલ કરવા માગ ઉઠી છે. ભારતીય ટીમ છેલ્લા 4 ટી-ર0 મુકાબલામાં 3 હારી ચૂકી છે. એશિયા કપમાં ફાઇનલમાં પહોંચી શકી ન હતી અને હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ પહેલો મુકાબલો જીતી ન શક્યા. નાગપુર મેચ સાંજે 7 કલાકથી વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 3 ટી-ર0ની શ્રેણી બચાવવા ભારતે આ મુકાબલો જીતવો જરૂરી છે. ભારતીય ટીમ સતત અખતરાં કરી રહી છે જે હવે ભારે પડી રહ્યા છે. ટી-ર0 વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ બુમરાહનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટી-ર0માં સમાવેશ ન કરાયો અને ડેથ ઓવરમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલા ભૂવનેશ્વરને સતત તક આપવામાં આવી રહી હોવાથી નાગપુર મુકાબલામાં બુમરાહનો પ્લેઇંગ-11માં સમાવેશ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. બીસીસીઆઇનાં સૂત્રો બચાવ કરે છે કે ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ પહેલા બુમરાહ અંગે કોઈ જોખમ ઉઠાવવા નથી ઈચ્છતું. એટલે તેને મોહાલી મુકાબલામાં રમાડવામાં આવ્યો ન હતો. જો કે નેટ પ્રેક્ટિસમાં બુમરાહ જોરદાર મહેનત કરી રહ્યો છે. જો બુમરાહને બીજી ટી-ર0 મેચમાં રમાડવામાં આવ્યો તો ઉમેશ યાદવ અને હર્ષલ પટેલમાંથી કોઈને આરામ આપવામાં આવી શકે છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust