રખડતાં ઢોર પર નિયંત્રણ કડક રીતે થવું જોઇએ
ભુજ, તા. 22 : ગામડા હોય કે હાઇવે નાના કે મોટા શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા અત્યંત વધી ગઇ હોવાથી આ ત્રાસના કારણે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાતા હોવાથી રાજ્યની વડી અદાલતે વારંવાર ટીકા કરી સરકારને પગલાં લેવા તાકીદ કરી હતી, જેના પગલે રાજ્ય સરકારે પશુઓના નિયંત્રણ માટે કાયદો લાવવાનું નક્કી કરી આ બીલ રાજ્યપાલને મોકલવામાં આવતાં તેમણે માલધારીઓના ભારે વિરોધને પગલે કાયદામાં સુધારો કરવા પરત મોકલ્યો હતો પરંતુ જો વિરોધથી કાયદો અમલી ન થયો પણ કચ્છના ધારાશાત્રીઓ માને છે કે આ પ્રશ્નનો ઉકેલ નાગરિકોના હિતમાં થવો જોઈએ. જાહેર માર્ગ હોય કે બજારની વચ્ચે ગમે ત્યાં જાહેરમાં રખડતા આ ઢોરો-આખલા થકી આમ આદમીના જીવ જોખમમાં મૂકાય છે. આવા સંજોગોમાં અનેક વખત મોતના બનાવો બન્યા છે ત્યારે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.વડી અદાલતે અત્યંત નારાજગી સાથે ઠપકો આપ્યો હતો કે લોકો મરી રહ્યા છે છતાં રખડતા ઢોરો ઉપર નિયંત્રણ કેમ નથી લાદવામાં આવતું ? છેલ્લા ચારેક દિવસથી આ મુદ્દે માલધારી સમાજે ભારે વિરોધ વ્યક્ત કરતાં સરકારને વિધેયક પરત ખેંચવાની ફરજ પડી હતી.સિનિયર ધારાશાત્રી શંકરભાઇ સચદે કહે છે કે આમ આદમીની સલામતીનું કામ સરકાર કે લશ્કરનું છે. જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ ઢોર રખડતા ન હોવા જોઇએ. આ મુદ્દે કોર્ટ સૂચના આપે ત્યાં સુધી જો કોઇ અમલવારી ન થાય એ પણ બાબત ગંભીર છે. લોકશાહીના ચાર સ્તંભ પૈકી એક ન્યાય સ્તંભ છે અને ન્યાયપાલિકાની ટિપ્પણી પછી ગંભીરતાપૂર્વક અમલ થવો જોઇએ. બીજું કે ગ્રા.પં. હોય કે નગરપાલિકા ઢોર પૂરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. હાલમાં શા માટે પૂરાતા નથી તેવો વેધક સવાલ પણ શ્રી સચદેએ કર્યો હતો. જ્યાં સામાન્ય લોકોના જીવ જોખમાય ત્યાં કડક કાયદા હોવા જરૂરી છે. જો દરેક કાયદાનો વિરોધ થશે તો શું પરત લવાશે, આ વાત યોગ્ય નથી. રખડતા ઢોર હોય કે હેલ્મેટ, સીટ બેલ્ટ બાંધવા આ બધા એક સમાન નિયમો છે. મતબેંક નહીં, નાગરિકોના હિત જોવા જોઇએ એમ તેમણે સ્પષ્ટ કહ્યું હતું.એવી જ રીતે ભુજના સિનિયર વકીલ દેવરાજભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ખરેખર તો કાયદા કરતાં વ્યવસ્થાની ખામી છે. ગૌવંશ જે જાહેરમાં રખડે છે તે 80 ટકા માલિકોના છે, સંભાળતા નથી. ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા ક્યાંય કોઇની પાસે વ્યવસ્થા નથી. ખરેખર એ સુધારવાની જરૂર છે.વિરોધ કરવાનો અધિકાર છે, વિરોધના કારણો પણ ઘણા હોઇ શકે છે પરંતુ માત્ર કાયદા પસાર કરવા કરતાં નીચેના સ્તરે પાલન થવું જોઇએ એમ જણાવીને શ્રી ગઢવીએ ઉમેર્યું કે, નાગરિકોને હાલાકી થાય છે અને સૌથી વધુ સમસ્યા શહેરોમાં છે. સત્તાધીશો શા માટે પગલાં લેતા નથી, ઢોર રખડે છે તેનાથી આમ આદમીનો મરો થાય છે એ હકીકત છે. માટે યોગ્ય વ્યવસ્થા પર તેમણે ભાર મૂક્યો હતો.યુવા ધારાશાત્રી યજ્ઞેશ શર્માનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, સમાજના હિતમાં કાયદાનો અમલ થવો જોઇએ, પરત ખેંચવું એ અયોગ્ય છે. હાનિ થતી અટકે ત્યાં કડક કાયદા હોવા જોઇએ, વિરોધનો દરેકને અધિકાર છે પરંતુ સમૂહને નજરમાં રાખી નિર્ણય લેવા જોઇએ. જાનમાલને નુકસાન થતું હોય એ બાબતમાં અટકાવવાનું કામ સરકાર કે શાસકનું છે. જો આવા વિષયોમાં પીછેહઠ થાય એ યોગ્ય નથી. જે વિરોધ કરે છે તેઓને પણ સમાજના હિતમાં સમજાવવાનું કામ શાસકોનું છે.ગાંધીધામનાં ધારાશાત્રી વરજાંગભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, રખડતા ગૌવંશ અંગે સરકારે તાત્કાલિક કોઇ નિર્ણય લેવો જોઇએ. લોકોને હાની ન થાય તે માટે બિનવારસુ ગૌવંશ માટે ગૌશાળા કે ઢોરવાડો ખોલવો જોઇએ. આવા બિનવારસુ ગૌવંશની જવાબદારી સરકારની છે તેમજ માલિકીના ગૌવંશ હોય તેની સાચવણી, જવાબદારી જે-તે માલિકની છે. બિનવારસુ ગૌવંશ અંગે સરકાર તાત્કાલિક નિર્ણય લે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.ધારાશાત્રી સુધીરભાઇ ચંદનાનીએ જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે પણ બનાવ બન્યો છે તે કોઇ સાથે પણ બની શકે છે અને બને જ છે શહેરના ભારતનગરમાં રખડતા આંખલાઓ હડફેટમાં લેતા એક આધેડનો જીવ ગયો હતો તે તાજો જ દાખલો છે. માર્ગો ઉપર ફરતા ગૌવંશ કયારે કયાંથી દોડતા આવશે તે નક્કી નથી હોતું. આંખલાઓના યુધ્ધમાં વાહનો, મકાનો, દુકાનોમાં નુકસાન થતું હોય છે. કોઇનો વિરોધ નથી પરંતુ રખડતા બિનવારસુ ગૌવંશ નુકસાનકારક છે તે દરેક વર્ગને અસર કરે છે તે અંગે સરકારે કોઇ દિશા, નિતી નક્કી કરવી જોઇએ.એડવોકેટ આર.ડી. માતંગે જણાવ્યું હતું કે, કોઇ પણ કાયદો બને છે તો કાયદાનો કાચો ડ્રાફટ સદનમાં જાય છે તેના ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ તે કાયદો અમલમાં લાવવામાં આવે છે સરકાર લોકોનું હિત નથી ઇચ્છતી માત્ર પોતાનું હિત ઇચ્છે છે જેના કારણે સમય, પૈસાનો વ્યય થાય છે પ્રજાલક્ષી કોઇ કામ થતાં જ નથી. કાયદો પસાર કરવા જે સમય, પૈસાનો ખર્ચો થયો તેમાં સરવાળે લોકોનું જ નુકસાન છે. બિનવારસુ ગૌવંશ સમસ્યા મોટી છે તેની જવાબદારી સરકારની છે. પરંતુ આવા ગૌવંશ માટે કયાંય ગૌચર જમીન બચી જ નથી. હાલમાં વિધાનસભાની ચૂંટણી છે માટે તમામ નિતીઓ અપનાવવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com