સીબીઆઇ ટીમના ફરી ભુજમાં ધામા

ભુજ, તા. 22 : લાંબા સમય બાદ પણ જેના અનેક સવાલો હજી અનુત્તર છે એ રાવલવાડી પોસ્ટ ઓફિસના કરોડો રૂપિયાના કૈભાંડમાં ગાંધીનગરથી ફરી એક વાર સીબીઆઈની ટીમે ભુજમાં ધામા નાખ્યા છે અને આ ચકચારી ગફલામાં કથિત સૂત્રધારોએ જેમના નાણા ચાઉં કરી નાખ્યા છે એવા અને જેમના ખાતાનો દુરુપયોગ કર્યો છે તેવા ખાતેદારોને મળવાની  અને પૂછપરછની પ્રક્રિયા શરૂ કરી છે.આ કૈભાંડમાં લગભગ બે મહિના પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ ભુજ આવી હતી અને ખાતેદારોને મળી હતી. આજે તપાસનીશોની ટીમ ફરી ભુજ આવી પહોંચી હતી અને પ્રથમ દિવસે ઉમેદભુવન ખાતે કેટલાક ખાતેદારોને બોલાવ્યા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે.માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આરોપીઓએ ઘણા ખાતેદારોના ખાતામાં ખોટી રીતે રૂપિયા નાખીને પછી પોતે જ ઉપાડીને સરકારી તિજોરીને નુક્સાન પહોંચાડવાનું કૈભાંડ આચર્યું છે તેવા ખાતેદારોને તેમજ જેમની પાસેથી નાણા લઈને ખરેખર પોસ્ટ ઓફિસમાં જમા નહીં કરાવીને કાંડ કર્યું છે તેવા ખાતેદારોને સીબીઆઈએ બોલાવ્યા છે. આ અધિકારીઓ થોડા દિવસ રોકાઈને મોટી સંખ્યામાં ખાતેદારોને મળશે અને પૂછપરછ કરશે. સીબીઆઈની ટીમ ફરી ભુજ આવતાં પોતાના હક્કના નાણાં માટે મહિનાઓથી દોડાદોડી કરતા ખાતેદારોને પણ ન્યાય મળવાની આશા બંધાઈ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust