લાખોંદની વાયર-એંગલ અને ભુજની બાઇકચોરીના ભેદ ઉકેલાયા
ભુજ, તા. 22 : હાલમાં જ તાલુકાના લાખોંદની ખેતરની ખુલ્લી ઓરડીમાંથી વાયર અને બાજુની વાડીમાં લોખંડના એંગલો ચોરીનો ગુનો પદ્ધર પોલીસ મથકે નોંધાયો હતો. તેમજ ભુજમાંથી ચોરાયેલી બાઇકનો ભેદ પોલીસે શોધી મુદ્દામાલ સાથે બંને ચોરને ઝડપી લેવાયા છે. ભુજમાં ઘનશ્યામનગરમાંથી બાઇક નં. જી. જે. 24 એ.એન.-6243ની ઉઠાંતરી થઇ હતી. એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે નેત્રમ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા આરોપી હાલે થરા (બનાસકાંઠા) હોવાની શક્યતાના આધારે થરા પોલીસની મદદથી આરોપી વનરાજજી ઉર્ફે કાળો અશોકજી ઠાકોર (રહે. ઝાપટપરા, બુટિયાવાસ થરા તા. કાંકરેજ બનાસકાંઠા)ને બાઇક સાથે હસ્તગત કરી પૂછતાછ કરતા તેઓ ત્રણ જણા ભુજ આવ્યા હતા અને બાઇકચોરીની કબૂલાત કરી હતી. આથી અન્ય બે આરોપી અલ્કેશકુમાર ભવાનસિંહ ધારસિંહ ઠાકોર અને સિદ્ધરાજ જોગાજી ઠાકોર (રહે. બંને વજેગઢ-થરા)ને ઝડપવાના બાકી છે. ચોરીમાં માહેર ત્રણે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.દરમ્યાન થોડા દિવસ પૂર્વે લાખોંદની ખેતરની ઓરડીમાંથી વાયરની તેમજ બાજુની વાડીમાંથી લોખંડના એંગલોની ચોરીની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ હતી. પદ્ધર પોલીસના સર્વેલન્સ ટીમના માણસોને બાતમી મળી હતી. લાખોંદના જ આરોપી અરવિંદ ઉર્ફે અલાના મામદ કોલીએ ચોરીને અંજામ આપ્યો છે. આથી અરવિંદની પોલીસે યુકિત-પ્રયુક્તિથી પૂછપરછ આદરતા તેણે ચોરીની કબૂલાત કરી આ ચોરાઉ માલ માધાપર તથા ભુજના ભંગારવાડામાં વેચી માર્યાનું જણાવ્યું હતું. આથી પોલીસે મુદ્દામાલ સાથે ચોર અરવિંદ ઉપરાંત ચોરીનો માલ ખરીદનાર જાફર અદ્રેમાન કુંભાર તથા મામદ જુસબ કુંભાર (બંને ભુજ)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com