માતાના મઢનો રસ્તો એકમાર્ગીય જાહેર કરાયો
ભુજ, તા. 22 : આસો નવરાત્રિ પર્વે માતાના મઢ ખાતે દર્શનાર્થે જતા પદયાત્રિઓને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયાએ જાહેરનામું બહાર પાડી તા. 23/9/2022ના વહેલી સવારના 6 કલાકથી તા. 4/10/2022 મોડી રાત્રિના 24 કલાક સુધી વાહનોની અવર-જવર માટે માતાના મઢનો રસ્તો એકમાર્ગીય જાહેર કર્યો છે. જેમાં સાંઘી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક કંપની તરફથી આવતા-જતા વાહનો તથા ભારે વાહનો માટે દયાપરથી પાનેલી, નલિયા, મોથાળા, મંગવાણા, નખત્રાણા થઇ ભુજ જઇ શકે અને આજ રૂટ ઉપર પરત જઇ શકશે. લીફરી લિગ્નાઇટ ખાણ માટે મેઇન ગેટથી બંને તરફ એક-એક કિ.મી. સુધીના વિસ્તારને `નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવે છે.નખત્રાણા તરફથી લીફરી ખાણમાં જતાં વાહનોને ટોડિયા ફાટકથી અંદર લક્ષ્મીપર, નેત્રા, રવાપર ચાર રસ્તાથી લીફરી ખાણ તરફ સવારના 11 કલાથી સાંજના 20 કલાક સુધી અવર-જવર કરી શકશે. તે સિવાયના સમયમાં અવર-જવર બંધ રહેશે. લીફરીથી એટીપીએસ નાની છેર જતાં વાહનો લીફરીથી રવાપર, ઘડાણી, પાનેલી, દયાપર, ઉંમરસર થઇને જઇ શકશે.નખત્રાણાથી પાનધ્રો તરફ જતા ટ્રકો, ભારે વાહનો, અન્ય વાહનો નખત્રાણા, ટોડિયા ફાટક, ટોડિયા, નેત્રા, રવાપર, ઘડાણી, પાનેલી, નારાયણ સરોવરવાળા હાઇવે માર્ગ ઉપરથી પસાર થશે, જ્યારે આજ રૂટથી પાનધ્રોથી નખત્રાણા જઇ શકશે. માતાના મઢ-નખત્રાણા-ભુજ તરફ એસટી બસો તથા પ્રવાસી બસો નખત્રાણા, મથલ, રવાપર, માતાના મઢવાળા હાઇવે પરથી પસાર થશે, જ્યારે આજ રૂટ થઇને ભુજ-નખત્રાણા થઇને માતાના મઢ જશે. - સેવા કેમ્પના સ્થળે વિગતો રાખવી : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા તા. 4/10/2022 સુધી કેમ્પ સંચાલકો માટે જાહેરનામું બહાર પડાયું છે તેમાં જણાવ્યા અનુસાર સામખિયાળીથી માતાના મઢ સુધી શ્રદ્ધાળુઓ માટે કચ્છ અને કચ્છ બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડે કેમ્પ રાખવામાં આવે છે. તેમણે સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું, ટેલિફોન, મોબાઇલ નંબર, કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, મુખ્ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન, મોબાઇલ નં, સ્વયંસેવકોનાં નામ, સરનામા, ટેલિફોન, મોબાઇલ નંબરની સાથે કેમ્પમાં કોઇ ચીજવસ્તુ, ખાદ્યપદાર્થ વિતરણ કરવાના હોય તો તેની અને કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે.કેમ્પની જગ્યાએ લાઇટ રીફ્લેક્ટર રાખવા, સફાઇ, કચરાપેટીની વ્યવસ્થા કરવી, રસ્તા ઉપર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્પિકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવો. સંબંધિત પોલીસ સ્ટેશનને તેની જાણ કરવાની રહેશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com માતાના મઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ લઇ જવા મનાઇ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયાએ એક જાહેરનામા દ્વારા તા. 23/9ના વહેલી સવારે 6 કલાકથી તા. 4/10 રાત્રિના 24 કલાક સુધી માતાના મઢ ખાતે `આશાપુરા માતાજી'નાં મંદિર સંકુલમાં મોબાઇલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. કોમર્શિયલ રીતે સ્પર્ધાત્મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું કોમર્શિયલ અને સાર્વજનિક રીતે દાંડિયા રાસ, ગરબા, મ્યૂઝિકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્થાઓ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયાએ જાહેરનામું બહાર પાડયું છે, જેમાં ગરબાઓ રાત્રિના 12 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. સ્થળ અંગેનું પરફોર્મન્સ પ્રિમાઇસીસ લાયસન્સ નિયમાનુસાર મેળવી સ્થાનિકે રાખવાનું રહેશે. લાઉડ સ્પિકર વગાડવાની, ઇલેકટ્રીક કનેકશનો સંબંધિત મંજૂરી લેવાની રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડિરેક્ટર રાખવાના રહેશે તથા પાર્કિંગની જગ્યાએ સી.સી. ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. રેકોર્ડિંગની સી.ડી. પોલીસ કન્ટ્રોલરૂમને આપવાની રહેશે.