કસ્ટડીમાં આરોપી સાથે દુર્વ્યવહાર કેસમાં માંડવીના પોલીસ સ્ટાફ સામે કાર્યવાહીનો આદેશ

ભુજ, તા. 13 : પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી વિનોદ અજિતાસિંહ ચૂડાસમા (ઉ.વ. 24) સાથે માર મારવા સાથે પોલીસ દ્વારા દુર્વ્યવહાર થવાની ફરિયાદના કેસમાં જવાબદાર પોલીસ સ્ટાફ સામે પ્રોસેસ ઇશ્યૂ કરવાનો આદેશ કરાયો છે, તો ભુજની અદાલતમાં કરાયેલી ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરિયાદમાં સુલતાન હુશેન અબ્દુલ્લા સુમરાનો નિર્દોષ છૂટકારો થયો હતો. જ્યારે ચેક પરત ફરવાના કેસમાં મહિલા આરોપી સુશીલાબેન શિવજી છભાડિયાને અદાલતે નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.  માંડવીમાં બાબાવાડી વિસ્તારમાં રહેતા વિનોદ ચૂડાસમા દ્વારા માંડવી પોલીસ મથકના લોકઅપમાં તેને માર મારવા સાથે દુર્વ્યવહાર કરાયાની ફરિયાદ મે-2021માં માંડવી ચીફ કોર્ટ સમક્ષ કરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટના આદેશ બાદ માંડવીના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા જવાબદાર લેખાવાયેલા પોલીસ સ્ટાફના તત્કાલીન કાર્યકારી ઇન્સ્પેકટર આર.સી. ગોહિલ અને કોન્સ્ટેબલ ભાર્ગવ ચૌધરી સામે પ્રોસેસ કાઢવાનો આદેશ કરાયો હતો.બીજીબાજુ ભુજની કોર્ટમાં શિરીષ મનસુખલાલ વ્યાસ દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતના આરોપસર કરાયેલી ફરિયાદના કેસમાં આરોપી સુલતાન હુશેન સુમરાને નિર્દોષ મુકત કરતો આદેશ કરાયો હતો. આ ફરિયાદ ચીફ કોર્ટએ કાઢી નાખ્યા બાદ આ મામલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરાઇ હતી, જેમાં અધિક સેશન્સ જજ ડી.જી. રાણાએ અપીલ રદ કરતાં આ ચુકાદો આપ્યો હતો. દરમ્યાન નિવૃત્ત પોલીસ અધિકારી ઇશ્વરગર મોતીગર ગુંસાઇ દ્વારા રૂા. ત્રણ લાખનો ચેક પરત ફરવા બાબતે કરેલા નેગોશિયેબલ ધારાના કેસમાં મહિલા આરોપી સુશીલાબેન શિવજી છભાડિયાને નિર્દોષ ઠેરવતો ચુકાદો ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા અપાયો હતો. આ બન્ને કેસમાં આરોપીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ સાથે ખીમરાજ એન. બારોટ, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી અને ખુશાલ મહેશ્વરી રહ્યા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com    

Crime

© 2022 Saurashtra Trust