મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે નનામી કાઢી

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે નનામી કાઢી
ભુજ, તા. 5 : કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી પ્રજા પાયમાલ છે તેવા આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસે મોંઘવારીની નનામી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ઘણી આવશ્યક ચીજ વસ્તુઓ ઘઉંનો લોટ, મધ, ગોળ તથા અનાજની પેકિંગ વસ્તુઓ પર અસહ્ય જીએસટી લાદતા ભાવવધારો થવાથી મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. સરકાર અસંવેદનશીલ અને સરમુખત્યારી તથા અવિચારી અને પ્રજા વિરોધી ગણાવી હતી. કચ્છ જિલ્લા મથક ભુજમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોએ મોંઘવારીની નનામી કાઢી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં `પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે', `મોંઘવારી દૂર કરો નહીંતર ખુરશી ખાલી કરો', `સસ્તો દારૂ મોંઘું તેલ ભાજપ તેરા કૈસા ખેલ' જેવા સુત્રોચ્ચાર સાથે નનામી કાઢવા જતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ઝપાઝપી દરમિયાન મહિલા કાર્યકરો ઘવાયા હોવાનો આક્ષેપ કરી પોલીસના આ બળ પ્રયોગને કોંગ્રેસ પક્ષે વખોડયો હતો. આશ્ચર્યજનક કાર્યક્રમે નગરજનોમાં પણ આકર્ષણ જગાવ્યું હતું. એક તબક્કે નનામી લઈને કાર્યકરો ચૂપચાપ એ રીતે જાહેર માર્ગ પરથી પસાર થતા દેખાયા હતા કે ખરેખર કોઈની અંતિમક્રિયા ન હોય! .વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust